સતામણીનો આરોપઃ પાકિસ્તાને ભારતસ્થિત તેના રાજદૂતને સ્વદેશ પાછા બોલાવ્યા

ઈસ્લામાબાદ/નવી દિલ્હી – પાકિસ્તાન સરકારે ભારતમાં સેવા બજાવી રહેલા તેના હાઈ કમિશનર સોહૈલ મેહમૂદને રાજદ્વારી તંગદિલીના મુદ્દે ચર્ચા કરવા માટે અનિર્ધારિત સમય માટે ઈસ્લામાબાદ પાછા બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન, બંને દેશની સરકાર રાજદ્વારી વાદવિવાદમાં છે. બંનેએ એકબીજા પર સતામણી કરવાનો, ધમકી આપવાનો આરોપ મૂક્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુહમ્મદ ફૈસલે જણાવ્યું છે કે પાકિસ્તાની રાજદૂતો, એમના પરિવારના સભ્યો તથા સ્ટાફના અન્ય સભ્યોને ભારતીય ગુપ્તચર એજન્સીઓ તરફથી અપાતી ધમકીના વધી ગયેલા બનાવો પર ભારત સરકાર ધ્યાન આપતી નથી.