પાકિસ્તાન-રશિયા વચ્ચે ગૅસ પાઈપલાઈન માટે 10 અબજ ડૉલરના કરાર

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને રશિયા વચ્ચે 10 અબજ ડોલરના ઑશશોર ગેસ પાઇપલાઇન કરારને અમલમાં મૂકવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં. તાજેતરમાં પાકિસ્તાન અને રશિયાએ મળીને દરિયાકાંઠાના વિશાળ ગૅસ પાઈપલાઈન પ્રોજેક્ટ માટે એગ્રીમેન્ટ પર સહી કરી છે. આ એગ્રીમેન્ટ અને પ્રોજેક્ટ વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ઘણું મહત્વ ધરાવે છે. અગાઉ રશિયાની અગ્રણી એનર્જી કંપની ગેઝપ્રોમ અને પાકિસ્તાન સરકાર દ્વારા સંચાલિત ઈન્ટર સ્ટેટ ગૅસ સિસ્ટમ્સ(ISGS) વચ્ચે દસ અબજ ડૉલરના પાઈપલાઈન પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. થયા હતાં.

આ પગલા દ્વારા રશિયાનો વિચાર ધીરેધીરે પાકિસ્તાનના એનર્જી માર્કેટ પર કબ્જો જમાવવાનો રહ્યો છે. થોડાં વર્ષ અગાઉ ગાજેલા ક્રિમિયાસંઘર્ષના પરિણામે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ઓઈલ અને ગૅસ માટે સર્જાયેલી હૂંસાતૂંસીમાં યુરોપ અને અમેરિકાને ટક્કર આપવા રશિયાએ દક્ષિણ એશિયામાં ઊર્જાસ્રોતોની વધી રહેલી માગનો લાભ લેવાની અને વૈકલ્પિક માર્કેટ્સનો કબજો મેળવવાની નીતિ અપનાવી છે.

બીજી તરફ, રશિયા અને પાકિસ્તાનની આ જુગલબંધીને તોડવા અમેરિકા પ્રયાસરત બન્યું હતું અને આ એગ્રીમેન્ટમાં સહી કરાવવા માટે વિદેશ મંત્રાલયમાં રહેલી અમેરિકી લોબીના દબાણ હેઠળ વડાપ્રધાન ઈમરાન ખાન આ કરાર કરતી વખતે હાજર નહોતા રહ્યાં. ઉપરાંત, પહેલાં જ્યાં આ કરાર વિદેશ મંત્રાલયમાં થવાના હતાં એનો પણ વિદેશ મંત્રાલયે ઈનકાર કર્યો હોવાને લીધે અંતે એ પેટ્રોલિયમ મંત્રાલયમાં થયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]