નાસાનું ‘ઓપરચ્યૂનિટી રોવર’ મંગળ ગ્રહની આંધીમાં ઠપ થયું

વોશિંગ્ટન- ધૂળ અને આંધીથી પૃથ્વીવાસીઓને પરેશાની છે ત્યાં મંગળ જેવા ગ્રહની ભૂમિ પર પણ ભીષણ આંધી ફૂંકાઇ રહી છે. ધૂળની ભીષણ આંધી ફૂંકાવાને કારણે નાસાનું ઓપરચ્યૂનિટી રોવર યાન ઠપ થઈ ગયું છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું છે કે, ધૂળની આંધીને કારણે સૌર ઊર્જાથી ચાલતું આ માનવ રહિત યાન શટડાઉન મોડમાં ચાલ્યું ગયું છે. અને યાનની સિસ્ટમ ઓફલાઈન થઈ ગઈ છે. જેથી તેના અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે.ઘટના અંગે નાસાએ જણાવ્યું છે કે, મંગળ ગ્રહ પર અચાનક જ ધૂળભરી આંધી ફૂંકાવાને કારણે ગ્રહ પર આવતા સૂર્યના કિરણોના રસ્તામાં અવરોધ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ મંગળ ગ્રહ પર ધૂળની આંધીને કારણે આશરે 3.5 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ધૂળની પરત ફેલાઈ ગઈ છે. નાસાની લેબોરેટરીમાં ઓપોરચ્યૂનિટી રોવરના પ્રોજેક્ટ મેનેજર જોન્સ કાલાસે જણાવ્યું કે, ઓપોરચ્યૂનિટી રોવર યાનને છેલ્લે મંગળ ગ્રહ પર પરસીવરેન્સ વેલી નામની જગ્યાએ જોવામાં આવ્યું હતું. જે ધૂળની આંધી બાદ શટડાઉન મોડમાં ચાલ્યું ગયું છે. જેથી યાનને ફરી એક્ટિવ મોડમાં જોવા આંધી પુરી થવાની રાહ જોવી પડશે.

જોન્સ કાલાસે જણાવ્યું કે, આપણને એ વાતની ચિંતા છે પણ આશા છે કે, આંધી ખતમ થઈ જશે પછી રોવર યાન ફરીથી નાસાનો સંપર્ક કરવા માટે સક્ષમ હશે. મંગળ ગ્રહ પર આંધીની સૌપ્રથમ માહિતી ગત 30મી મેના રોજ મળી હતી. હાલના દિવસોમાં તેની તીવ્રતા વધી છે. આ તીવ્રતાએ રોબોટિક યાનને પણ પ્રભાવિત કર્યું છે. યાન સાથે છેલ્લો સંપર્ક 10 જૂનના રોજ થયો હતો. આપને જણાવી દઈએ કે, મંગળ ગ્રહ પર જીવનની શોધ કરવા માટે ઓપોરચ્યૂનિટી અને સ્પિરિટ નામના બે રોબોટિક યાનને વર્ષ 2003માં મોકલવામાં આવ્યા હતા. જે એક વર્ષ પછી મંગળની ધરતી પર પહોંચ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]