હથિયારોનો નાશ કર્યા પછી પણ પરમાણુ જ્ઞાનને સુરક્ષિત રાખશે ઉત્તર કોરિયા

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયા અમેરિકા સાથે કરેલા તેના પરમાણુ નિઃશસ્ત્રીકરણના વાયદાને પુરો કર્યા બાદ પણ તેના પરમાણુ જ્ઞાનને જાળવી રાખશે. ઈરાની મીડિયા રિપોર્ટ અનુસાર વિદેશ પ્રધાન રી યોંગ હોએ તેમની તેહરાનની મુલાકાત દરમિયાન ઉપરોક્ત વાત જણાવી હતી.સંવાદ સમિતિ મેહરના અહેવાલ મુજબ રી યોંગ હોએ જણાવ્યું હતું કે, ‘ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રેસિડાન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી ઐતિહાસિક બેઠક દરમિયાન કોરિયાઈ ટાપુને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાનો કરાર કરવા છતાં અમે અમારા પરમાણુ વિજ્ઞાનને સુરક્ષિત રાખીશું કારણરે અમે જાણીએ છીએ કે, અમેરિકા અમારી તરફની તેમની દુશ્મની ક્યારેય છોડશે નહીં’.

ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાને જણાવ્યું કે, ‘અમેરિકનો સાથે વ્યવહાર કરવો મુશ્કેલ છે અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય કોરિયન ટાપુને સંપૂર્ણ રીતે પરમાણુ હથિયારથી મુક્ત કરવાનો છે. અને તેના માટે જરુરી છે કે, અમેરિકા પણ તેની પ્રતિબદ્ધતાનું પાલન કરે પરંતુ આમ કરવા માટે તેણે ઈનકાર કર્યો છે’.

મહત્વનું છે કે, ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન રી યોંગ હોએ ઈરાનની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન ત્રીજા દિવસે ઈરાનની સંસદના સ્પીકર અલી લાર્જાની સાથે મુલાકાત કરી હતી.