નોર્થ-સાઉથ કોરિયા વચ્ચે થશે ચર્ચા, સંબંધો સુધારવા પ્રયાસ

સિઓલ- દક્ષિણ કોરિયા તરફથી જણાવવામાં આવ્યું છે કે, પરમાણુ હથિયારોથી સમ્પન્ન દેશ ઉત્તર કોરિયાએ આગામી સપ્તાહે ચર્ચા માટેના દક્ષિણ કોરિયાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. આ બેઠક ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ પાસે આવેલા પુનમુનજોમ ખાતે યોજાશે.દક્ષિણ કોરિયાના મિનિસ્ટ્રી ઓફ ઈન્ટેગ્રેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તર કોરિયા તરફથી સિઓલને એક ફેક્સ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથેની ચર્ચાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.

મિનિસ્ટ્રી ઓફ ઈન્ટેગ્રેશનના પ્રવક્તા તાએ હુઆને જણાવ્યું છે કે, ચર્ચાના એજન્ડામાં પ્યોંગયાંગ ઓલમ્પિક અને બન્ને દેશો વચ્ચે અન્ય સંબંધો સુધારવા અંગે પણ ભાર મુકવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયા દ્વારા ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ અને છઠ્ઠા પરમાણુ પરિક્ષણ સહિત 2017ના વર્ષમાં અનેક મિલાઈલ પરિક્ષણ કરાયા બાદ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યા છે.

બન્ને દેશો વચ્ચે ચર્ચાનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે 2018ની શરુઆતમાં જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ધમકી ઉચ્ચારી હતી કે, તેની પાસે પરમાણુ બટન છે. જે ક્યારેય પણ તબાહી લાવી શકે છે.

સૂત્રોનું માનીએ તો, આગામી મહિને દક્ષિણ કોરિયામાં યોજાનારા શીતકાલીન ઓલમ્પિકમાં ઉત્તર કોરિયા તેના ખેલાડીઓની ટીમ મોકલી શકે છે. આ ઉપરાંત હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે હોટલાઈન સેવા પણ ફરીવાર શરુ કરવામાં આવી છે. જે વર્ષ 2016થી બંધ કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]