ટ્રમ્પ-કિમ વચ્ચે બેઠક યોજાઈ છતાં યથાવત રહેશે નોર્થ કોરિયા પર પ્રતિબંધ

સિંગાપુર- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન શિખર વાર્તામાં એકબીજા સાથે અત્યંત ઉત્સાહના વાતાવરણમાં મળ્યાં હતાં. બેઠક બાદ બન્ને નેતાઓએ બપોરનું ભોજન પણ સાથે કર્યું હતું. લંચ બાદ બન્ને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે એ કરારને લઈને હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બેઠક પુરી થયા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે બેઠકની વિગતો શેર કરી હતી.પત્રકારોને સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે મારી વાતચીત પ્રમાણિક, સ્પષ્ટ અને રચનાત્મક હતી. બન્ને દેશો વચ્ચેની આ શિખર વાર્તાનો ઉદ્દેશ્ય કોરિયાઈ ટાપુને પરમાણુ હથિયારથી સંપૂર્ણ મુક્ત કરવાનો હતો’. વધુમાં ટ્રમ્પે જણાવ્યું કે, ઉત્તર કોરિયાએ મિસાઈલ એન્જીન પરીક્ષણ સ્થળનો નાશ કરવાનું શરુ કરી દીધું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથેની બેઠકને સકારાત્મક ગણાવતા કહ્યું કે, ‘અમેરિકા નોર્થ કોરિયા સાથે નવા સંબંધો અને નવો ઈતિહાસ બનાવવા તૈયાર છે’. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ અંગે જણાવ્યું કે, તેઓ જલદી જ યુદ્ધનો ખેલ સમાપ્ત કરશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, બન્ને દેશ વચ્ચેની વાતચીત હલમાં ભલે સકારાત્મક રહી છે તેમ છતાં નોર્થ કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હાલમાં યથાવત રહેશે.