અણુશસ્ત્રો વિરોધી પ્રચારક સંસ્થા ‘ICAN’ને નોબેલ શાંતિ ઈનામ

જિનેવા – દુનિયામાંથી અણુશસ્ત્રો નાબૂદ કરવા માટે સતત પ્રચાર-ઝુંબેશ કરતી સંસ્થા ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ અબૉલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ની આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અણુ શસ્ત્રોનો ખતરો છેલ્લા અમુક દાયકાઓમાં ખૂબ વધી ગયો છે ત્યારે સ્વિટ્ઝરલેન્ડના જિનેવાસ્થિત ICAN સંસ્થા આવા સમૂહવિનાશકારી શસ્ત્રોને નાબૂદ કરવાનો પ્રચાર કરી રહી છે. અણુશસ્ત્રોએ દુનિયા પર વ્યાપક ખતરો ઊભો કર્યો છે અને એની પર જાગતિક પ્રતિબંધ મૂકવા માટે તે પ્રચાર કરી રહી છે.

ગયા જુલાઈમાં આ સંસ્થાને એ દિશામાં મોટી સફળતા મળી હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થાએ અણુશસ્ત્રોને ગેરકાયદેસર જાહેર કરતી એક નવી સમજૂતી મંજૂર કરી હતી.

દુનિયામાંથી અણુશસ્ત્રો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે એવી શક્યતા હજી ઘણી દૂર છે, તે છતાં ICAN સંસ્થા એના પ્રયાસો પડતા મૂકવા માગતી નથી.

ICAN સંસ્થાનાં મહિલા વડા બીટ્રીસ ફીને તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે અમને હજી સફળતા મળી નથી. જ્યાં સુધી અણુશસ્ત્રો ખતમ નહીં થાય ત્યાં સુધી અમારું કામ પૂરું થયું નહીં ગણાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]