ડ્રેગનને ઝટકો: નેપાળે ચીનની કંપની સાથે હાઈડ્રો પ્રોજેક્ટ ડીલ રદ કરી

નેપાળ- રાજકીય રીતે નેપાળને પોતાની તરફ ખેંચવાના ચીનના પ્રયાસોને નેપાળ સરકારે મોટો ઝટકો આપ્યો છે. નેપાળ સરકારે બુધી ગંડાકીનદી પર નિર્માણાધિન હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ માટે ચીનની કંપની સાથેનો કરાર રદ કર્યો છે. આ અંગેની માહિતી નેપાળના નાયબ વડાપ્રધાન કમલ થાપાએ ટ્વીટ કરીને આપી હતી. સૂત્રોનું માનીએ તો, હવે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ભારતની કોઈ કંપનીને આપવામાં આવી શકે છે.

કમલ થાપાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કેબિનેટે ગેચોઉબા ગ્રુપ સાથે બુધી ગંડાકીનદી પર નિર્માણાધિન હાઈડ્રો- ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે જ્યારે ચીનના અધિકારીનો અભિપ્રાય પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, આ અંગે ચીન પાસે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ ચીન અને નેપાળના સંબંધો ઘણા સારા છે.

સૂત્રોનું માનીએ તો આ પ્રોજેક્ટ ભારતીય કંપની NHPCને આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે નેપાળ સરકારે ચીનની કંપની સાથે આ પ્રોજેક્ટ અંગે ડીલ કરી હતી, ત્યારબાદ ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગે OBOR પ્રોજેક્ટના સમર્થનની વાત કરી હતી.

આપને જણાવી દઈએ કે, નેપાળની આ પહેલાની પ્રચંડ સરકારે હાઈટ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ ચીનની ગેચોઉબા ગ્રુપને આપ્યો હતો. એ સમયે આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ પ્રોજેક્ટ માટે પ્રચંડ સરકારે યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વગર જ ચીનની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પ્રોજેક્ટ નેપાળની રાજધાની કાઠમંડૂથી 50 કિલોમીટર દૂર આવેલો છે. નિર્માણકાર્ણ પૂર્ણ થયા બાદ આ પ્રોજેક્ટમાંથી આશરે 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરાશે.