ચંદ્રની સપાટી પરનો એ કાટમાળ વિક્રમ લેન્ડરનો હોવાનું NASAનું સમર્થન

વોશિંગ્ટન – ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના ચંદ્રયાન મિશનના એક હિસ્સા એવા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટને બદલે હાર્ડ લેન્ડિંગ કર્યાના ત્રણ મહિના બાદ, અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ જણાવ્યું છે કે લેન્ડરનો કાટમાળ એની નજરમાં આવ્યો છે. એજન્સીએ ટ્વીટ કરીને એની તસવીરો પણ શેર કરી છે.

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)નું કહેવું છે કે તેના લૂનર રિકૉનિસન્સ ઓર્બિટર (LRO) પરના કેમેરાએ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનો કાટમાળ જોયો છે.

‘નાસા’ એજન્સીએ ટ્વીટ કરેલી તસવીરમાં બ્લુ અને લીલા રંગના ડોટ્સ દ્વારા વિક્રમ લેન્ડરના કાટમાળવાળી જગ્યા બતાવી છે.

ચેન્નાઈસ્થિત શન્મુગા સુબ્રમણ્યન નામના એક ભારતીય કમ્પ્યુટર પ્રોગ્રામર અને મિકેનિકલ એન્જિનીયરે ‘નાસા’ના LRO પ્રોજેક્ટના વિજ્ઞાનીઓનો સંપર્ક કર્યા બાદ ‘નાસા’ એજન્સી તરફથી વિક્રમ લેન્ડરની સ્થિતિ વિશેનું સમર્થન આવ્યું છે.

તસવીરમાં લીલા રંગના ડોટ્સ દ્વારા વિક્રમ લેન્ડરના કાટમાળને રેખાંકિત કરાયો છે જ્યારે બ્લુ ડોટ્સ વડે લેન્ડરના ક્રેશ થવાથી ચંદ્રની સપાટી પર આવેલા ફેરફારને બતાવવામાં આવ્યો છે. ‘S’ અક્ષર વડે લેન્ડરના એ કાટમાળને બતાવાયો છે જેની ઓળખ શન્મુગ સુબ્રમણ્યને કરી હતી.

‘નાસા’ સંસ્થાએ કહ્યું છે કે શન્મુગા સુબ્રમણ્યને અમારા પ્રોજેક્ટનો સંપર્ક કર્યો હતો અને કાટમાળની ઓળખ કરવા કહ્યું હતું. અમારી LRO પ્રોજેક્ટ ટીમે ચંદ્રની સપાટી પરની તસવીરોની તુલના, ચકાસણી કર્યા બાદ નિશ્ચિત કર્યું છે કે એ કાટમાળ વિક્રમ લેન્ડરનો છે.

‘નાસા’ એજન્સીએ કહ્યું કે, કાટમાળ પર સૌથી પહેલાં નજર શન્મુગાની પડી હતી. એ સ્થળ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ક્રેશ થયું એનાથી આશરે 750 મીટર વાયવ્ય ખૂણે છે.

વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટીની આટલી બધી નજીક લઈ જવામાં સફળ થવા બદલ નાસા એજન્સીએ ભારતની ઈસરો સંસ્થાની પ્રશંસા કરી છે.

કમનસીબે, ગઈ 7 સપ્ટેંબરે વિક્રમ લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરે એની અમુક જ મિનિટો પૂર્વે ઈસરોના વિજ્ઞાનીઓ એની સાથેનો સંપર્ક ગુમાવી બેઠા હતા. ‘નાસા’ એજન્સીએ કહ્યું છે કે વિક્રમ લેન્ડરને ગુમાવી દેવા છતાં એને ચંદ્રની સપાટીની આટલી બધી નજીક લઈ પહોંચાડવામાં આવ્યું તે ‘ઈસરો’ની રોમાંચક સિદ્ધિ ગણાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]