ક્લાયમેટ ચેન્જઃUS સ્પીકરે કર્યા વડાપ્રધાનના વખાણ, કહ્યું ગાંધીના મુલ્યો જીવંત રાખ્યા…

વોશિંગ્ટનઃ ક્લાયમેટ ચેન્જના પડકારો સામે લડવા માટે આખી દુનિયા એકજુટ થવા લાગી છે અને ભારત આ મિશનની આગેવાની કરનારા દેશો પૈકી એક છે. વડાપ્રધાન મોદી દ્વારા જળવાયુ પરિવર્તનને લઈને ભરવામાં આવેલા પગલાના વખાણ હવે અમેરિકામાં પણ થઈ રહ્યા છે. અમેરિકી પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસીએ વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા છે અને પ્રકૃતિને બચાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને બીરદાવ્યા છે.

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જયંતી પર વોશિંગ્ટનમાં સંબોધન દરમિયાન નેન્સી પેલોસીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ક્લાયમેટ ચેન્જ મામલે મહાત્મા ગાંધીના મૂલ્યોને જીવંત રાખ્યા છે. આપને જણાવી દઈએ કે નેન્સી પેલોસીએ જ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગને મંજૂરી આપી હતી, આ સીવાય ટ્રમ્પના ઘણા નિર્ણયોમાં તેઓ રોડા નાંખતી રહી છે.

તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદીએ અમેરિકી કોંગ્રેસના શેસનને સંબોધિત કર્યું હતું, ત્યારે તેમની જળવાયું પરિવર્તન પર વાત થઈ હતી, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સાથે મહાત્મા ગાંધી અને ક્લાયમેટ ચેન્જ પર ખુલીને ચર્ચા કરી હતી. જેમાં તેઓ સ્વચ્છતાની સાથે જ જળ સંરક્ષણના મામલાઓને ખૂબ ઉંડાણથી સ્પર્શે છે.

નેન્સી પેલોસીએ અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જેમાં તેમની સાથે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ જોડાયા હતા. જયશંકરે આ દરમિયાન કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદીએ દુનિયાના મોટા મંચો પર શૌચાલયની વાત કરી તો ખૂબ ટીકાઓ થઈ, પરંતુ મહાત્મા ગાંધી પણ માનતા હતા કે સ્વચ્છતા ખૂબ જરુરી છે.