પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફની મુશ્કેલી વધી, ઈસ્લામાબાદ હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ

ઈસ્લામાબાદ- ઈસ્લામાબાદ હાઈકોર્ટે નેશનલ એકાઉન્ટીબલિટી બ્યૂરોને (NAB) પૂર્વ સૈન્ય અધિકારી અને વિશેષ કરીને સેવાનિવૃત્ત જનરલોની પુછપરછ કરવાનો નિર્દેશ કરવા ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સામે ભ્રષ્ટાચારના મામલામાં તપાસ શરુ કરવા જણાવ્યું છે.ઈસ્લામાબાદ હાઈકોર્ટની બેન્ચના જસ્ટિસ અથર મિનલ્લાહ અને જસ્ટિસ મૈંગુલ હસન ઔરંગઝેબે એક ઐતિહાસિક ચુકાદો આપતા ઉપર મુજબ જણાવ્યું હતું. કોર્ટે નિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ ઈનામુર રહીમ દ્વારા વર્ષ 2014માં જનરલ પરવેઝ મુશર્રફ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપની સુનાવણીના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો.

પાંચ વર્ષ પહેલા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં અરજીકર્તાએ નેશનલ એકાઉન્ટીબલિટી બ્યૂરોને પરવેઝ મુશર્રફના નોમિનેશન પત્રમાં જણાવવામાં આવેલી સંપત્તિને લઈને તપાસ કરવા જણાવ્યું છે. આ અરજી બાદ એપ્રિલ-2013માં NAB દ્વારા પત્ર લખીને નિવૃત્ત કર્નલને જાણ કરી હતી કે, તેમની અરજી પર કાર્યવાહી કરવામાં આવી શકશે નહીં, કારણકે નેશનલ એકાઉન્ટીબલિટી ઓર્ડિનેન્સના કારણે સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ NAB તપાસ કરી શકશે નહીં.

જોકે બાદમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે NABના પત્રની ભલામણને નકારીને આ મામલામાં તપાસ કરવા જણાવ્યું છે. અરજીકર્તાએ જણાવ્યું હતું કે, પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના આર્મી ચીફ અને રાષ્ટ્રપતિના પદ પર રહેવા દરમિયાન તેના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. જેથી તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં તપાસ થવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]