પરવેઝ મુશર્રફનું રાષ્ટ્રીય ઓળખપત્ર અને પાસપોર્ટ સસ્પેન્ડ કરાયો

ઈસ્લામાબાદ- પાકિસ્તાન વહીવટી તંત્રએ પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફનું રાષ્ટ્રીય ઓળખપત્ર અને પસપોર્ટ સસ્પેન્ડ કર્યા છે. વહાવટી તંત્રએ આ પગલું મુશર્રફ સામેના રાજદ્રોહ કેસની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતના આદેશ પર ઉઠાવ્યું છે. પાકિસ્તાની માહિતી મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 74 વર્ષીય પરવેઝ મુશર્રફને માર્ચ 2007માં પાકિસ્તાનમાં કટોકટી લાગુ કરવા માટે માર્ચ 2014માં રાષ્ટ્રદ્રોહના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.પાકિસ્તાનમાં કટોકટી લાગુ કરાયા બાદ અનેક વરિષ્ઠ ન્યાયાધિશોને તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. અને 100થી વધુ જજોને બરખાસ્ત કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ 18 માર્ચ 2016ના રોજ તબીબી સારવાર માટે દુબઈ ગયા હતા. જેના થોડા મહિનાઓ પછી પાકિસ્તાનની વિશેષ અદાલતે મુશર્રફને ભાગેડુ જાહેર કર્યા હતા. અને આ મામલે અદાલતમાં હાજર નહીં રહેવાના આરોપસર તેમની સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો.

અદાલતે ગત માર્ચ મહિનામાં આદેશ આપ્યો હતો કે, ફેડરલ ગવર્મેન્ટે મુશર્રફના કોમ્પ્યુટરાઈઝડ રાષ્ટ્રીય ઓળખપત્ર અને પાસપોર્ટને સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ નેશનલ ડેટાબેઝ રજીસ્ટ્રેશન ઓથોરિટી (NDRA) દ્વારા મુશર્રફનું ઓળખપત્ર રદ કરવામાં આવ્યું છે અને તેનો પાસપોર્ટ પણ આપમેળે સસ્પેન્ડ થઈ ગયો છે.

સૂત્રોનું માનીએ તો હવે પરવેઝ મુશર્રફ રાજકીય આશ્રય મેળવે અથવા પાકિસ્તાન પરત જવા માટે ખાસ દસ્તાવેજોનો પ્રબંધ કરે. આપને જણાવી દઈએ કે, મુશર્રફે વર્ષ 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ પર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા સહિત અન્ય કેટલાક ક્રિમિનલ કેસનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]