ભારતમાં આર્થિક મંદી કામચલાઉ છેઃ મુકેશ અંબાણી (સાઉદી અરેબિયામાં)

રિયાધ – અબજોપતિ મુકેશ અંબાણીએ આજે કહ્યું કે ભારતીય અર્થતંત્રમાં આવેલી મંદી હંગામી છે અને કેન્દ્ર સરકારે તાજેતરમાં લીધેલા પગલાંને કારણે આગામી ત્રિમાસિક સમયગાળામાં જ ટ્રેન્ડ બદલાશે અને તેજી આવશે.

અંબાણીએ આજે અહીં વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ સંમેલનમાં પોતાના સંબોધનમાં આમ જણાવ્યું હતું. એમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગયા ઓગસ્ટ મહિનાથી લીધેલા સુધારાવાદી પગલાંનાં સારા ફળ આગામી અમુક ક્વાર્ટર્સમાં જ જોવા મળશે.

અહીં ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ (FII) સંમેલનમાં અંબાણીએ કહ્યું કે, હા એ વાત ખરી છે કે ભારતીય અર્થતંત્રમાં સહેજ મંદી ફરી વળી છે, પરંતુ મારું એવું માનવું છે કે આ મંદી કામચલાઉ છે. ભારત સરકારે છેલ્લા અમુક મહિનાઓમાં જે સુધારાવાદી પગલાં લીધાં છે એનું પરિણામ જોવા મળશે અને મને ખાતરી છે કે આગામી ક્વાર્ટર્સમાં જ ટ્રેન્ડ બદલાઈ જશે.

ભારતીય અર્થતંત્ર, જેની હજી થોડા જ સમય પહેલાં વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા તરીકે પ્રશંસા કરવામાં આવી હતી, તેનો વિકાસ દર ગત્ પાંચ ક્વાર્ટરમાં ઘટ્યો છે. વિકાસ દર, જે એક વર્ષ પહેલાં 8 ટકા હતો તે આ વર્ષના એપ્રિલ-જૂનમાં ઘટીને પાંચ ટકા નોંધાયો હતો. 2013ની સાલ પછી ભારતનો આ સૌથી નીચો આર્થિક વિકાસ દર બન્યો છે.

FII સંમેલનમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અંબાણીએ આ સંમેલનમાં આ વિષય પર સંબોધન કર્યું હતું – ‘આગામી દાયકોઃ આર્થિક મહત્ત્વાકાંક્ષાનો નવો યુગ વૈશ્વિક અર્થતંત્રને કઈ રીતે આકાર આપશે?’