‘હિમ વિજય’ થી ડ્રેગન ભડક્યુ: મોદી-જિનપિંગની મુલાકાત ખતરામાં?

નવી દિલ્હી: આગામી સપ્તાહે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. પરંતુ ભારતીય સેનાના અરુણાચલમાં ચાલી રહેલા ‘હિમ વિજય’ યુદ્ધાભ્યાસના ભવા તણાયા છે અને એણે આપત્તિ દર્શાવી છે. ગુરુવારે ચીનના ઉપ વિદેશમંત્રીએ ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે સાથે બેઠકમાં આપત્તિ દર્શાવી. મીડિયા રિપોર્ટ અનુસાર ચીને ભારતને કહ્યું કે, વર્તમાન યુદ્ધાભ્યાસ બંન્ને દેશો વચ્ચે થનારી સંભવિત વાર્તાને નજરઅંદાજ કરનાર છે. તો ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, યુદ્ધાભ્યાસ એલએસીથી 100 કિલોમીટર દૂર ચાલી રહ્યો છે, અને બંન્ને દેશો વચ્ચે થનારી બેઠકના મહિનાઓ પહેલા જ આ નિર્ધારિત થઈ ચૂક્યો હતો.

મહત્વનું છે કે,  બંન્ને દેશો વચ્ચે વાર્તાને લઈને હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત નથી થઈ. જોકે, મીડિયા રિપોર્ટ અનુસાર શી જિનપિંગ 11 ઓક્ટોબર ચેન્નાઈ આવશે. ત્યારબાદ તે મમલ્લાપુરમ જશે અને વડાપ્રધાન મોદી સાથે રાતે ભોજન લેશે. મળતી માહિતી અનુસાર બંન્ને દેશો વચ્ચે વાતચીતનો સમય ઘણો ઓછો છે, કારણ કે, જિનપિંગ 24 કલાક જ ભારતમાં રોકાશે.

ઉલ્લેખનીય છે કે, ચીન સરહદ પર સુરક્ષાની રણનીતિને મજબૂત કરવા ભારતીય સેના અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી નવી યુદ્ધ રણનીતિનું પરિક્ષણ LAC ની નજીક કરી રહી છે. 15 હજાર ફૂટની ઉંચાઈ પર ભારતીય સેના ઓપરેશન ‘હિમ વિજય’ પર કામ કરી રહી છે. અરુણાચલમાં ચાલી રહેલો આ યુદ્ધભ્યાસ 24 ઓક્ટોબર સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ અનુસાર 7થી10 ઓક્ટોબર સુધી અને ફરી 14થી 20 ઓક્ટોબર સુધી આ યુદ્ધભ્યાસ બે ફેઝમાં પૂર્ણ થશે.