પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ આસમાનેઃ પૂરતી આયાતનો અભાવ

કરાચી: પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે, પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થયો ને ધીમે ધીમે હવે ટામેટા પણ મોંઘા દાટ થતા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાંચીમાં ટામેટાની કિંમત મંગળવારે 400 રુપિયા કિલોના રેકોર્ડ પર પહોંચી ગઇ. ટામેટાની આયાત પર પ્રતિબંધ સહિત અન્ય કારણોના લીધે પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

પાકિસ્તાનના સમાચારપત્ર ડોનના રિપોર્ટ અનુસાર, ગયા સપ્તાહે ઇરાનથી 4500 ટન ટામેટા આયાત કરવાની પરમીટ જાહેર કરી હતી. પણ બજારમાં આ આગમન જોર ન પકડી શક્યુ, જેના પરિણામ સ્વરુપ વધતી માંગના કારણે ટામેટાની કિંમતોમાં સતત વૃદ્ધિ જોવા મળી. એક રિપોર્ટ અનુસાર ઇરાનથી 4500 ટન ટામેટાની આયાત કરવા માટે પરમિટ આપવામાં આવી હતી પણ આમાંથી ફક્ત 989 ટન ટામેટા જ પાકિસ્તાન પહોંચ્યા હતા.

કરાંચીમાં લોકોને આ પહેલાં ત્યારે ઝટકો લાગ્યો જ્યારે ટામેટાની કિંમત 300 રુપિયા કિલોથી વધીને 400 રુપિયા પ્રતિ કિલો પહોંચી હતી. આ વર્ષે ટામેટાનું ઉત્પાદન ઓછું થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક વ્યાપારીએ કહ્યું કે, “હાલ, ઇરાન અને સ્વાતના ટામેટા કરાંચીની માર્કેટમાં વેચાઈ રહ્યા છે અને હાલ પર્યાપ્ત જથ્થો ન હોવાને કારણે કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાલુ મહિનાની શરુઆતમાં ટામેટાની સત્તાવરા છૂટક કિંમત 117 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ટામેટાની કિંમતમાં વૃધ્ધિ માટે સંઘીય સરકારને દોષિત ઠેરવવામાં આવી શકે છે, કારણ કે, તેણે કોઇપણ વ્યાપારી દ્વારા મફત આયાતની મંજૂરી આપવાને બદલે અમુક લોકો માટે આયાતને સિમિત રાખી છે. આગળ કહેવાયુ છે કે, નતીજતન, તાફ્તાન સરહદ પર સિમિત માત્રામાં ટામેટાને પહેલાંથી જ બુક કર્યા બાદ વેચી દેવામાં આવ્યા હતાં.