મોહમ્મદ સોલિહની જીતથી ભારત-માલદીવ સંબંધો મજબૂત થવાની શક્યતા

માલે- માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માલદીવિયન ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની જીત થઈ છે. સોલિહની પાર્ટીને અગાઉના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીન કરતાં 58 ટકા વધુ મતો મળ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોહમ્મદ સોલિહની જીત ભારતના દ્રષ્ટિકોણથી મહત્વની છે. કારણકે તેમને ભારતના સમર્થક માનવામાં આવે છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિનો જૂકાવ ચીન તરફી હતો.માલદીવની સરકારે મોટાભાગના રાજકારણીઓને જેલમાં ધકેલી મૂક્યા હતા. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિની સ્પર્ધામાં ઉપરોક્ત બે સિવાય કોઈ અન્ય ઉમેદવાર સામેલ નહતા. આજ કારણ હતું કે, સોલિહને વિરોધ પક્ષોનો ટેકો મળ્યો હતો. ચૂંટણી જીતવાની સાથે જ સોલિહે યામીનને રાષ્ટ્રપતિ પદ છોડવા અને રાજકીય કેદીઓને છોડવાની અપીલ કરી છે.

આ ચૂંટણી પર ભારત અને ચીન બન્નેની નજર રહેલી હતી. કારણકે આ દેશ હિંદ મહાસાગર સાથે જોડાયેલા દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયાય કરી રહ્યો છે. ભારતે માલદીવમાં વિરોધ પક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી જીતવા માટે શુભેચ્છા પાઠવી છે.

વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોહમ્મદ સોલિહની જીતથી માલદીવમાં લોકતંત્ર પરત આવશે તેવી આશા રાખીએ છીએ. સાથે જ ભારત ‘પાડોશી રાષ્ટ્ર પ્રથમ’ એ નીતિ અંતર્ગત માલદીવના નવા નેતૃત્વ સાથે કામ કરવા તૈયાર છે.