ચીન સાથેના પ્રોજેક્ટ્સ રદ્દ કરવા વિચારી રહ્યું છે મલેશિયા

કુઆલાલમ્પુર- મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે જણાવ્યું છે કે, તેઓ પોતાના પૂર્વવર્તી દ્વારા ચીન સાથે કરવામાં આવેલા અબજો ડોલરના કરારને રદ્દ કરવા પ્રયાસ કરી રહ્યા છે. મહાતિર મોહમ્મદે કહ્યું કે, તેમની સરકાર મલેશિયાને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે કામ કરી રહી છે. આ વાત તેમણે ચીન યાત્રા પર રવાના થતા અગાઉ જણાવી હતી. આપને જણાવી દઈએ કે, મહાતિર મોહમ્મદે ત્રણ મહિના પહેલાં જ મલેશિયાની સત્તા પર વાપસી કરી છે.મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે જણાવ્યું કે, તેઓ ચીન સાથે સારા સંબંધો ઈચ્છે છે અને તેના રોકાણનું સ્વાગત કરે છે. જોકે, તેમણે ચીન સમર્થિત ગેસ પાઈપ લાઈન અને મલેશિયાના પૂર્વ દરિયા કિનારે રેલ પ્રોજેક્ટ અંગે કડક વલણ અપનાવ્યું છે. આ બન્ને કરાર મલેશિયાના પૂર્વ વડાપ્રધાન નઝીબ રાઝાક દ્વારા કરવામાં આવ્યા હતા. જેઓ હાલમાં એક કૌભાંડમાં અબજો ડોલરની ઉચાપત કરવાના આરોપમાં વિવિધ આરોપોનો સામનો કરી રહ્યા છે.

મહાતિર મોહમ્મદે જણાવ્યું કે, ‘અમને નથી જણાઈ રહ્યું કે, ઉપરોક્ત બન્ને પરિયોજનાની અમારે કોઈ જરુર છે. અમને એમ પણ નથી લાગતું કે, એ યોજનાઓ વ્યાવહારિક છે. જેથી અમે ઉપરોક્ત બન્ને પરિયોજનાઓ રદ્દ કરવા વિચારી રહ્યાં છીએ.