નરેન્દ્ર મોદીની જીતની નોંધ આખી દુનિયાએ લીધી, વિદેશી મીડિયાએ કહી આ વાતો…

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના પરિણામો પર આખી દુનિયાની નજર ટકેલી હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં વિપક્ષને ધરાશાયી કરતા અભૂતપૂર્વ જીત પ્રાપ્ત કરી છે. આ જીતની ચર્ચા ભારતીય મીડિયા સાથે જ વિદેશી મીડિયામાં પણ છે. ત્યારે આવો જાણીએ કે વડાપ્રધાન મોદીની સત્તામાં વાપસીને વિદેશી મીડિયા કઈ રીતે જોઈ રહ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટે ટાઈટલ આપ્યું કે “રાષ્ટ્રવાદની અપીલ સાથે મોદીએ જીત મેળવી” . ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીએ દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં મોટી જીત પ્રાપ્ત કરી છે. ભારતીય મતદાતાઓએ મોદીજીની શક્તિશાળી અને ગર્વાન્વિત હિંદૂ છબી પર મહોર મારી દીધી છે.

સમાચારપત્રએ લખ્યું કે મોદીની જીત તે ધાર્મિક રાષ્ટ્રવાદની જીત છે કે જેમાં ભારતને ધર્મનિરપેક્ષતાની રાહથી અલગ હિંદૂ રાષ્ટ્ર તરીકે જોવામાં આવે છે. ભારતમાં 80 ટકા હિંદુ આબાદી છે પરંતુ મુસ્લિમ, ઈસાઈ, શિખ, અને બૌદ્ધ તેમજ અન્ય ધર્મોના લોકો પણ રહે છે.

બીબીસી વર્લ્ડે લખ્યું કે ભારતના વડાપ્રધાન મોદી અને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવતા પાંચ વર્ષોનો બીજો કાર્યકાળ પણ પ્રાપ્ત કરી લીધો છે. આ બહુમતને વડાપ્રધાન મોદીની હિંદૂ રાષ્ટ્રવાદી રાજનીતિનો બહુમત ગણાવવામાં આવી રહ્યો છે.

ગલ્ફ ન્યૂઝે “TSUNAMO 2.0 SWEEPS INDIA” ટાઈટલ સાથે લખ્યું છે કે દશકો બાદ બીજેપીની અભૂતપૂર્વ જીત. આ સમાચાર પત્રના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે શરુઆતમાં મોદી સામે ખેડુતોની સમસ્યાઓ, રોજગાર સંકટ, રાફેલ જેવા મુદ્દાઓનો પહાડ ઉભો હતો પરંતુ પુલવામા અને ભારતની બાલાકોટમાં સ્ટ્રાઈક બાદ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બીજેપીની સ્ટોરી નવી રીતે લખી દીધી છે.

ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી મોટી જીત નોંધાવ્યા બાદ સમાવેશી ભારતનો વાયદો કર્યો. હવે મોદી સરકાર માટે સૌથી મોટા પડકાર રોજગાર, કૃષિ, અને બેંકિંગ સેક્ટર હશે.

ન્યૂઝ એજન્સી એપીએ વડાપ્રધાન મોદીની જીત પર લખ્યું કે, નરેન્દ્ર મોદીએ મોટી સાવધાની સાથે પોતાની છબી એક એવા સાધુ તરીકે બનાવી જેને રાજનીતિમાં ભારતનો વૈશ્વિક દરજ્જો ઉંચો ઉઠાવવા માટે લાવવામાં આવી છે. મોદીએ સંસદીય ચૂંટણીને સામાજિક અને આર્થિક મુદ્દાઓની રાજનૈતિક લડાઈને પર્સનાલિટી કલ્ટમાં બદલી દીધી. પાકિસ્તાની સમાચારપત્ર ડોને પણ આ સમાચારને પ્રમુખતાથી જગ્યા આપી.

પાકિસ્તાની સમાચાર પત્ર ડોને લખ્યું કે વડાપ્રધાન મોદીએ ગુરુવારના રોજ લોકસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરતા બીજો કાર્યકાળ પ્રાપ્ત કરી લીધો છે. ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર આક્રામક થતા મોદીને અજેય જાદુગર તરીકે જોવામાં આવ્યા. મિસ્ટર મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઈકના કોરિયોગ્રાફર તરીકે પોતાને સ્થાપિત કરતા વિપક્ષને પછડાટ આપી.

“ધ ગાર્ડિયને” ભારતની લોકસભા ચૂંટણીના પરિણામો પર લખ્યું કે મોદીની અસાધારણ લોકપ્રિયતાથી ભારતીય રાજનીતિ હવે હિંદુ રાષ્ટ્રવાદના એક નવા યુગમાં પ્રવેશી ગઈ છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે ટાઈટલ આપ્યું કે, “ભારતના ચોકીદાર નરેન્દ્ર મોદીની ચૂંટણીમાં ઐતિહાસિક જીત”. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે મોદીએ પોતાને ભારતના ચોકીદાર કહ્યા જ્યારે અલ્પસંખ્યકોએ તેમની સરકારમાં ખુદને અસુરક્ષિત અનુભવ્યા. અરબપતિઓને ફાયદો પહોંચાડવાની સાથે જ તેમણે પોતાની કમજોર પારિવારિક પૃષ્ઠભૂમિના વખાણ કર્યા. તેઓ વ્યાપારીઓની ભાષા બોલે છે પરંતુ ભારતીયોના ઉત્કૃષ્ઠ જીવન માટે જરુરી રોજગાર ઉપ્લબ્ધ નથી કરાવ્યા. આ તમામ વિરોધાભાસો છતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક ભારતના ઈતિહાસમાં અત્યારસુધીના સૌથી મજબૂત હિંદૂ રાષ્ટ્રવાદના સહારે પોતાની પાર્ટીને શાનદાર જીત અપાવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]