હોંગકોંગમાં તમામ ફ્લાઈટ્સ રદ; એરપોર્ટ તાત્કાલિક છોડી જવાનો પ્રવાસીઓને આદેશ

હોંગકોંગ – લોકશાહીની માગણી કરતા હજારો લોકો અહીંના વિમાનીમથક ખાતે ધસી આવતાં સત્તાવાળાઓએ અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી.

આમ, વિશ્વમાં સૌથી વ્યસ્ત ગણાતું હોંગકોંગ શહેર અચાનક સ્થગિત થઈ ગયું છે.

દરમિયાન, ચીની સરકારે કહ્યું છે કે અમે હિંસક દેખાવોને ત્રાસવાદ તરીકે ગણીએ છીએ.

બ્રિટને 1997માં હોંગકોંગની સોંપણી ચીનની કરી દીધી હતી અને ત્યારથી હોંગકોંગમાં ચીનનું શાસન છે.

હોંગકોંગમાં એરપોર્ટ ખાતે લોકશાહી તરફી દેખાવકારોનાં દેખાવોનો આજે સતત ચોથો દિવસ છે. પાંચ હજાર જેટલા દેખાવકારો એરપોર્ટના પ્રસ્થાન વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં સેવાઓને ખોરવી નાખી હતી.

પરિણામે હોંગકોંગ એરપોર્ટ ખાતેથી વિમાનસેવાને માઠી અસર પહોંચી છે. પરિસ્થિતિની ગંભીરતા પામીને સત્તાવાળાઓએ એરપોર્ટ ખાતેથી તમામ ફ્લાઈટ્સને રદ કરી દીધી હતી અને તમામ પ્રવાસીઓને વહેલામાં વહેલી તકે એરપોર્ટ ઈમારત છોડી જવાની સૂચના આપી હતી.