શ્રીલંકા ફરી બેઠું થઈ જશે: પીએમ મોદીને વિશ્વાસ; ઈસ્ટર હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

કોલંબો – વડા પ્રધાન નરેન્દ્ર મોદી માલદીવથી ભારત પાછા ફરતી વખતે આજે સવારે માર્ગમાં શ્રીલંકામાં ટૂંક સમય માટે રોકાયા હતા. એમણે એક ચર્ચની મુલાકાત લીધી હતી જ્યાં તાજેતરમાં ઈસ્ટર તહેવારના દિવસે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો.

આજે સવારે કોલંબો એરપોર્ટ પર ઉતર્યા બાદ મોદી પહેલાં સેન્ટ એન્થનીઝ ચર્ચમાં ગયા હતા અને આતંકી હુમલામાં માર્યા ગયેલાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હુમલાઓના સંદર્ભમાં શ્રીલંકા સાથે ભારતના સંપનો એમણે પુનરોચ્ચાર કર્યો હતો.

મોદીએ બાદમાં ટ્વીટ કર્યું હતું કે, મને વિશ્વાસ છે કે શ્રીલંકા ફરી બેઠું થઈ જશે. ત્રાસવાદીઓના કાયરતાભર્યા કૃત્યો શ્રીલંકાના જુસ્સાને નમાવી નહીં શકે. શ્રીલંકાનાં લોકો સાથે ભારતનો સંપ કાયમ છે.

ઈસ્ટર આતંકી હુમલા બાદ શ્રીલંકાની મુલાકાતે આવેલા મોદી પહેલા વિદેશી રાષ્ટ્રના વડા છે.

મોદી શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેનાને પણ મળ્યા હતા અને સિરીસેનાની હાજરીમાં પ્રમુખાલયમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ જ ચર્ચમાં ગયા એપ્રિલ મહિનામાં ઈસ્ટર તહેવારના રવિવારના દિવસે આતંકવાદીઓએ ભયાનક બોમ્બ વિસ્ફોટ વડે હુમલો કર્યો હતો. સેન્ટ એન્થનીઝ ચર્ચ ઉપરાંત અન્ય બે સ્થળે પણ આતંકવાદીઓએ બોમ્બ હુમલા કર્યા હતા.

અગાઉ સવારે, કોલંબો એરપોર્ટ પર વડા પ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના વડા પ્રધાન રાનીલ વિક્રમસિંઘેએ એમનું સ્વાગત કર્યું હતું. બાળકીએ પુષ્પગુચ્છ આપીને મોદીને આવકાર આપ્યો હતો.