લંડનમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરાશે, લલિત મોદી કરશે કેસ

લંડન– લોકસભા ચૂંટણીની રાજનીતિક ચડસાચડસી વચ્ચે માહોલને વધુ ઉકળતો કરનાર સમાચાર લંડનથી મળી રહ્યાં છે. આઈપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પોતાના એક ભાષણમાં બધાં મોદી ચોર છે તેવું નિવેદન કર્યું હતું જેની સામે નારાજ લલિત મોદીએ આ ચીમકી ઉચ્ચારી છે.લલિત મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કહે છે કે બધાં મોદી ચોર છે,હવે અમે આ મામલાને લઇને કોર્ટમાં જઈશું. મોદી યૂકેની કોર્ટમાં કેસ કરશે તે જણાવવા સાથે રાહુલ ગાંધી પર તીખા શબ્દબાણ પણ વરસાવ્યાં હતાં.

મોદીએ રાહુલ ગાંધી સામે મોરચો ખોલતાં એક વિડીયો પણ રજૂ કર્યો છે જેમાં કોંગ્રેસના કૌભાંડોનું લિસ્ટ બતાવ્યું છે. લલિત મોદીએ લખ્યું છે કે 5 દાયકાથી ગાંધી પરિવાર ભારતને લૂંટી રહ્યો છે અને એ અમારા પર આરોપ મૂકી રહ્યો છે.

આ પહેલાં બિહારના નાયબ સીએમ સુશીલકુમાર મોદીએ પણ રાહુલ ગાંધી સામે કેસ કર્યો છે. તેઓ પણ બધાં મોદી ચોર છે તેવા રાહુલના નિવેદનને લઇને ભડક્યાં હતાં.