કુલભૂષણ જાધવની ફાંસીની સજાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે સસ્પેન્ડ કરી

હેગ (નેધરલેન્ડ્સ) – ભારતીય નાગરિક અને ભારતીય નૌકાદળના નિવૃત્ત જવાન કુલભૂષણ જાધવને આજે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ તરફથી મોટી રાહત મળી છે. ભારત માટે પાકિસ્તાનમાં કથિતપણે જાસુસી કરવાના અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવાના આરોપસર પકડાયેલા અને ફાંસીની સજા ફરમાવતા પાકિસ્તાની લશ્કરી અદાલતના ચુકાદા સામે આજે અત્રેની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે કહ્યું છે કે જાધવ પર મૂકેલા આરોપ અને એમને કરાયેલી સજા અંગે પાકિસ્તાને અસરકારક રીતે ફેરવિચારણા કરવી જ પડશે અને ત્યાં સુધી જાધવની સજા સસ્પેન્ડ રહેશે.

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે કોન્સ્યૂલર એક્સેસ માટે 49 વર્ષીય જાધવના અધિકારને પણ માન્ય રાખ્યો છે. આમ, આ કેસમાં ભારતનો આ મોટો રાજદ્વારી વિજય થયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે એમ પણ કહ્યું કે કુલભૂષણ જાધવને મળવા ન દઈને પાકિસ્તાને ભારતને તેના અધિકારથી વંચિત રાખ્યું છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટના વડા જસ્ટિસ અબ્દુલકાવી એહમદ યુસુફ

કોર્ટે કહ્યું કે કુલભૂષણ જાધવને ભારતીય દૂતાવાસ સાથે સંદેશવ્યવહાર કરવાનો અને મદદ મેળવવા માટેનો અધિકાર છે અને એ તેમને મળવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે કોન્સ્યુલર એક્સેસ માટે ભારતે કરેલા દાવાને માન્ય રાખવાની તેને સત્તા છે.

ભારતે તો જાધવની કરાયેલી સજાને રદ કરવાની જ માગણી કરી હતી. જાધવ પોતાને સુપરત કરી દેવામાં આવે એવી ભારતની માગણીને આંતરરાષ્ટ્રીય અદાલતે આજે નકારી કાઢી.

આંતરરાષ્ટ્રીય અદાલત આ સજાને સ્થગિત કરશે એવી ધારણા હતી, કારણ કે તે ફાંસીની સજાની વિરુદ્ધમાં છે અને બીજું, કુલભૂષણે એવું કોઈ કામ કર્યું નથી કે જેને કારણે એને ફાંસી જેવી સજા કરવી પડે.

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની લીગલ ટીમના સભ્યો

16-ન્યાયાધીશોની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત નેધરલેન્ડ્સના હેગ શહેરના પીસ પેલેસ ખાતે જાહેર સુનાવણી દરમિયાન ચુકાદો આપ્યો છે.  આ 16-ન્યાયાધીશોની આગેવાની લીધી હતી અબ્દુલકાવી એહમદ યુસુફ, જેઓ સોમાલિયાના છે.

કુલભૂષણ જાધવની પાકિસ્તાને 2016ની 3 માર્ચે ધરપકડ કરી હતી. એના બીજા જ મહિને ભારત સરકાર પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઢસડી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે કેસની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી કુલભૂષણ જાધવને ફાંસી ન આપવાનો પાકિસ્તાની લશ્કરી અદાલતને 2017ની 18 મેએ આદેશ આપ્યો હતો.

પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે એના સુરક્ષા દળોએ જાધવને 2016ની 3 માર્ચે બલુચિસ્તાન પ્રાંતમાંથી પકડ્યા હતા, જે ઈરાનમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા. જ્યારે ભારતે વળતી દલીલ કરી છે કે જાધવનું ઈરાનમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. જાધવ નૌકાદળમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને પોતાના બિઝનેસના સંદર્ભમાં ઈરાન ગયા હતા.

કુલભૂષણે જાસુસી કરી હતી તો એનું પરિણામ શું આવ્યું? શું એણે આપેલી કોઈ માહિતીના આધારે કોઈ પ્રકારની જીવલેણ કાર્યવાહી કરવામાં આવી હતી ખરી? પાકિસ્તાન આ બાબત આંતરરાષ્ટ્રીય અદાલતમાં સાબિત કરી શકી નથી.

જાધવને કોન્સ્યૂલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિયેના સંમેલન વખતે થયેલી આંતરરાષ્ટ્રીય સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે એવો પણ ભારતે પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે. આજની સુનાવણીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે પણ સમર્થન આપ્યું કે પાકિસ્તાને વિયેના સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે.