કિમ અને ટ્રમ્પ ફરી મુલાકાત માટે તૈયાર, જલદી યોજાશે દ્વિપક્ષીય ચર્ચા

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે જલદી જ બીજી શિખર વાર્તા યોજાઈ શકે છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો અને કિમ જોંગ ઉન વચ્ચે પ્યોંગયાંગમાં યોજાયેલી બેઠકમાં પરમાણું નિરસ્ત્રીકરણને લઈને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે લગભગ બે કલાકની બેઠક બાદ માઈક પોમ્પિયોએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘પ્યોંગયાંગનો પ્રવાસ અને કિમ જોંગ સાથેની મુલાકાત સકારાત્મક રહી’. અમે લોકો સિંગાપોર શિખર વાર્તામાં બનેલી સહમતીના આધારે સતત પ્રગતિ તરફ આગળ વધી રહ્યાં છીએ. મારા અને મારી ટીમના સત્કાર માટે આપનો આભાર’.

બીજી તરફ કિમ જોંગ ઉને પણ અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો સાથે થયેલી વાતચીતના વખાણ કર્યા છે. કિમ જોંગે કહ્યું કે, ‘આ ઘણો સકારાત્મક દિવસ રહ્યો, જે બન્ને દેશો માટે સારા ભવિષ્યનો વાયદો કરે છે’.

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે આ વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ શિખર વાર્તા યોજાઈ હતી. જેમાં ઉત્તર કોરિયા તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, તે કોરીયાઈ ટાપુને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની દિશામાં પ્રયાસ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]