આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતી બાદ હવે પીઓકેમાં રેલી કરશે ઈમરાન ખાન…

નવી દિલ્હીઃ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાન રઘવાયુ બન્યું છે. પાકિસ્તાન સતત પોતાના મરણીયા પ્રયાસો કરીને, દુનિયાના દેશો પાસે પોતાની વાતને સમર્થન આપવા માટે મદદ માંગી છે.

આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાની ફેજેતી થયા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રેલી કરશે. ઈમરાન ખાને એક ટ્વીટમાં કહ્યું, કે હું આ શુક્રવારે એટલે કે 13 સપ્ટેમ્બરના લોકો મુઝફ્ફરાબાદમાં એક મોટી રેલી કરવા જઈ રહ્યો છું. આના દ્વારા હું આખી દુનિયાનું ધ્યાન કાશ્મીર પર લાવવાના પ્રયત્નો કરીશ અને કાશ્મીરીઓને એ બતાવીશ કે અમે તેમની સાથે પૂર્ણ રીતે ઉભા છીએ.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર,વડાપ્રધાન ઈમરાન ખાન સંયુક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમની સાથે વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી પણ હશે. પાકિસ્તાની નેતા મહાસભાથી અલગ 35 દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે, તેમને કાશ્મીરમાં ગંભીર સ્થિતી મામલે જાણકારી આપશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ઈમરાન ખાન અને કુરેશી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રથી દસ અસ્થાયી સભ્યો, ઈસ્લામી દેશોના શાસકો અને પ્રતિનિધિઓ અને ઘણા અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર વિદેશ સચિવ સોહેલ મહમૂદે પત્ર મોકલીને આ દેશોમાં નિયુક્ત પાકિસ્તાનના દૂતોને કહ્યું છે કે અહીંયાના અધિકારીઓ સાથે સંપર્ક કરીને ન્યૂયોર્કમાં થનારી મુલાકાતોને નિર્ધારિત કરવા માટે કહ્યું છે.