પાકિસ્તાનના નાપાક પ્રયત્નો યથાવતઃ હવે આ દેશના રાષ્ટ્રપતિને કર્યો ફોન…

નવી દિલ્હીઃ ભારતમાં આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાન હચમચી ગયું છે. આ મામલે ભારતનો વિરોધ પાકિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાને અત્યારસુધી અનેક વૈશ્વિક નેતાઓને ફોન કરીને આ મામલે વાત કરી છે. પરંતુ પાકિસ્તાનનો ક્યાંય મેળ પડતો નથી. ત્યારે હવે પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે ફોન પર વાત કરી છે.

ભારતના આ નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરતા પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયુક્તને નિષ્કાસિત કરીને રાજનયિક સંબંધોમાં ઘટાડો કરી દીધો તેમજ ભારત સાથેના વ્યાપાર સંબંધો પણ કાપી નાંખ્યા.

આ ઘટનાક્રમ બાદ ઈમરાન ખાન તેમજ વિડોડો વચ્ચે ફોન પર પહેલો સંવાદ થયો. ઈમરાન ખાને કહ્યું કે નિર્દોષ કાશ્મીરિઓ માર્યા જવાનો ગંભીર ખતરો છે અને આવી ત્રાસદીને રોકવાનું આંતરરાષ્ટ્રીય સમુદાયનું દાયિત્વ છે.

કાશ્મીરની સ્થિતીને લઈને ઈમરાન ખાન પહેલા જ બ્રિટન અને મલેશિયાના વડાપ્રધાન, તુર્કીના રાષ્ટ્રપતિ, સાઉદી અરબના શહેજાદા અને બહરીનના સમ્રાટ સાથે વાત કરી ચૂક્યા છે.