નવજોત સિંહ સિધુનું પાકિસ્તાનમાં ઉષ્માભર્યું સ્વાગત; કરતારપુર સાહિબ કોરિડોર હોલનું ઈમરાન ઉદઘાટન કરશે

લાહોર – શીખ ધર્મીઓ માટે આસ્થાના સ્થળ એવા પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારા સુધીના કરતારપુર કોરિડોરના પાકિસ્તાન તરફના માર્ગને શરૂ કરવાના પાકિસ્તાનના નિર્ણયને કોંગ્રેસના નેતા અને પંજાબના પ્રધાન નવજોત સિંહ સિધુએ આજે આવકાર્યો છે અને કહ્યું છે કે આ કોરિડોર શરૂ થવાથી ભારત અને પાકિસ્તાન બંને દેશ માટે શાંતિ અને સમૃદ્ધિની શક્યતાઓનાં નવા મંડાણ થશે.

સિધુ હાલ પાકિસ્તાન આવ્યા છે. કરતારપુર કોરિડોરના ઉદઘાટન પ્રસંગે તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સાથે જોડાશે. બંને દેશની સરહદ પર, પાકિસ્તાન બાજુએ કરતારપુર હોલનું ઈમરાન ખાન 28 નવેમ્બરના બુધવારે ઉદઘાટન કરવાના છે. આ કોરિડોર શરૂ થવાથી ભારતમાંના શીખ યાત્રાળુઓ પાકિસ્તાનમાં રાવી નદીના કિનારે આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર ખાતે આસાનીથી પહોંચી શકશે.

ભારતમાં, કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લામાંથી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ સુધીનો કોરિડોર બાંધશે. જેથી ભારતમાંથી શીખ શ્રદ્ધાળુઓ સીધા જ પાકિસ્તાનના કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાતે જઈ શકશે.

કરતારપુર સાહિબ ગુરુદ્વારા લાહોરથી 120 કિ.મી.ના અંતરે આવેલું છે.

સિધુ કેટલાક ભારતીય પત્રકારોની સાથે વાઘા સરહદે પહોંચ્યા હતા અને ત્યાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અધિકારીઓએ એમનું સ્વાગત કર્યું હતું.

સમગ્ર કરતારપુર કોરિડોર 4 કિલોમીટરનો હશે. એ ભારતના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક અને પાકિસ્તાનના નારોવાલમાં આવેલા ગુરુદ્વારા કરતારપુર સાહિબને જોડશે.