પ્રમુખ બાઈડન સમારોહ દરમિયાન સ્ટેજ પર લથડિયું ખાઈ પડી ગયા

ડેન્વરઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન ગઈ કાલે કોલોરાડો રાજ્યમાં યૂએસ એર ફોર્સ એકેડેમી ખાતે આયોજિત ગ્રેજ્યુએશન સમારોહમાં આખરી ઉમેદવારને ડિપ્લોમા સર્ટિફિકેટ એનાયત કર્યા બાદ રેતી ભરેલી એક થેલી પર પગ પડતાં લથડિયું ખાઈ ગયા હતા અને જમીન પર પડી ગયા હતા, એમ સીએનએન અહેવાલમાં જણાવાયું છે.

બાઈડન જ્યાં ઊભા હતા એ સ્ટેજની સામે રેતી ભરેલી એક થેલી મૂકવામાં આવી હતી. તેઓ ત્યારબાદ એમના જમણા થાપા પર સહેજ વિરામ કરીને જમણા હાથનો ઉપયોગ કરીને ઊભા થઈ ગયા હતા. સીક્રેટ સર્વિસના બે જવાન અને એર ફોર્સ એકેડેમીના એક વહીવટકારે બાવડા ઝાલીને બાઈડનને ફરી ઊભા થવામાં મદદ કરી હતી.

બાઈડન ત્યારબાદ ચાલીને એમની સીટ પર પાછા બેસી ગયા હતા. તેઓ એ પછી ખુશ દેખાયા હતા. તેઓ પડી ગયા હતા એ વખતનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરસ થયો છે. એમાં જોઈ શકાય છે કે બાઈડન કોઈની પણ મદદ વિના ચાલીને સ્ટેન્ડમાં એમની સીટ પર જઈને બેસી ગયા હતા.

પ્રમુખ લથડિયું ખાઈ ગયાના બનાવ બાદ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વસ્થ છે.

80 વર્ષીય બાઈડન અમેરિકાના સૌથી મોટી ઉંમરના પ્રમુખ છે. ભૂતકાળમાં તેઓ આવી જ રીતે કેટલીક વાર પડી ગયા હતા.