ચંદ્રની સપાટીથી થોડે જ દૂર તુટી પડ્યું ઈઝરાયલનું ચંદ્રયાન….

નવી દિલ્હીઃ ઈઝરાયેલનું અંતરિક્ષયાન ચંદ્રની ભૂમી પાસે તુટી પડ્યું છે. આ ચંદ્રયાન ચંદ્રની સપાટીને સ્પર્શ કરે તેની ગણતરીની ક્ષણો પહેલા જ ટેક્નિકલ ખામીના કારણે તુટી પડ્યું છે. આ યાન ચંદ્રની સપાટીથી માત્ર 10 મીનિટ જ દૂર હતું અને ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આ દુર્ઘટના બાદ ઈઝરાયેલ ચંદ્ર અભિયાન સંપન્ન કરવાનો ઈતિહાસ બનાવતા ચૂકી ગયું છે.

અંતરિક્ષયાન ચંદ્રની સપાટીને સ્પર્શવામાં જ હતું તે પળોમાં યાને પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. મિશનને તરત જ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલ એરોસ્પેસ ઉદ્યોગના અગ્રણી ઓફેર દોરોને જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર જ યાન તૂટી પડયું હતું.યાન સપાટી પર ઉતરાણ કરે તેની ગણતરીની પળો પહેલાં જ યાનનું એન્જિન બંધ પડી ગયું હતું.

વૈજ્ઞાનીકો આનું કારણ જાણવા પ્રયાસશીલ છે. બેરેશીટ તરીકે ઓળખાતું યાન જ્યાં ઉતરાણ કરાવનું હતું તે સ્થાને જ તેનો કાટમાળ વિખેરાયો હતો. દોરોને જોકે મિશન સફળ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યાન ચંદ્રની સપાટી સુધી પહોંચ્યું હતું તે પણ મોટી સિદ્ધિ છે.

ઇઝરાયેલનું યાન ચંદ્ર સપાટીથી નજીકના અંતરે જ તૂટી પડતાં ભારત ચંદ્ર અભિયાનની રેસમાં આવી ગયું છે. રશિયા, અમેરિકા અને ચીન પછીના ચોથા ક્રમે ચંદ્ર અભિયાન પાર પાડવાની સંભાવના ભારત પાસે હજી ખુલ્લી છે. ભારતે એપ્રિલ મહિના સુધી ચંદ્રયાન- ૨ મિશનને મુલતવી રાખતાં ઇઝરાયેલ રેસમાં આગળ નીકળી ગયું હતું.