ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની પર છેતરપિંડીનો આરોપ

જેરુસલેમ- ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ પર સરકારી ખજાનાનો દુરુપયોગ કરવા માટે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ માહિતી ઈઝરાયલના ન્યાયપ્રધાન દ્વારા આપવામાં આવી હતી. ‘મિલ્સ ઓર્ડરિંગ અફેયર’ તરીકે જાણીતા આ મામલામાં ગતરોજ જેરુસલેમ મેજીસ્ટ્રેટની અદાલતમાં દાખલ કરવામાં આવેલા મહાભિયોગ મુજબ પ્રોસીક્યુટર્સે જણાવ્યું કે, સારા નેતન્યાહૂએ વર્ષ 2010થી 2013 દરમિયાન વડાપ્રધાન નિવાસસ્થાને કરવામાં આવેલા ભોજનના રુપિયા આશરે 1 લાખ ડોલર ચૂકવવા માટે સરકારી તિજોરીનો દુરુપયોગ કર્યો હતો.મળતી માહિતી મુજબ સારા નેતન્યાહૂએ ખાનગી રસોયાને પણ લગભગ 10 હજાર ડોલર ચૂકવ્યા હતા. જોકે સારા નેતન્યાહૂએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપને નકારી કાઢ્યા છે. આપને જણાવી દઈએ કે ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની સારા નેતન્યાહૂ સામે તેમના ઘરેલુ સહાયકે દુરવ્યવહાર અને અપશબ્દોનો ઉપયોગ કરવાનો મામલો પણ શ્રમ અદાલતમાં દાખલ કર્યો હતો.

લેબર કોર્ટે સારા નેતન્યાહૂને પીડિત સહાયકને વળતર પેટે 1 લાખ 70 હજાર શેકલ્સ (ચલણ) અથવા 43 હજાર 700 ડોલર અટલેકે આશરે 29 લાખ 73 હજાર 345 રુપિયા ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, સારા નેતન્યાહૂનો અતિશય ગુસ્સો અને ગેરવાજબી માગણીઓ તેના કર્મચારીઓ માટે ક્ષોભની સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યાં છે.

પોતાના પત્ની પર લગાવવામાં આવેલા આરોપને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ પાયા વિહોણા ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં નેતન્યાહૂ પરિવાર પર ભ્રષ્ટાચારના અનેક આરોપ લાગી રહ્યાં છે. ઈઝરાયલના વડાપ્રધાન તરીકે બેન્જામિન નેતન્યાહૂનો આ ચોથો કાર્યકાળ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]