ઈઝરાયલે મિસાઈલ એટેકનો લીધો બદલો, કરી એર સ્ટ્રાઈક

નવી દિલ્હીઃ ગાઝા પટ્ટી મારફતે મિસાઇલ અટેક કર્યા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરતા એર સ્ટ્રાઇક કરી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે ગાઝા મારફતે બે મિસાઇલથી અટેક કરવામાં આવ્યો હતો જેના પછી અમારા તરફથી પણ સ્ટ્રાઇક કરી આકરો જવાબ આપવામાં આવ્યો છે. ઇઝરાયલના ફાઇટર પ્લેને શુક્રવારે દક્ષિણી ગાઝા પટ્ટીમાં ઉગ્રવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. આ કાર્યવાહી ઇઝરાયલના શહેર તેલ અવીવ પર થયેલ રોકેટ હુમલાની પ્રતિક્રિયા રૂપે થઈ છે.

જોકે ઇઝરાઇલના એર સ્ટ્રાઇક બાદ એવું લાગી રહ્યું છે કે ગાઝા અને ઇઝરાયલ વચ્ચે હિંસા ભડકી શકે છે. બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. જોકે હાલ હિંસાના કોઈ સમાચાર મળ્યા નથી. તમને બતાવી દઈએ કે ગુરૂવારે ઇઝરાયલના શહેર તેલ અવીવ પર મિસાઇલથી હુમલો થયો હતો. 2014 બાદ પહેલીવાર તેલ અવીવને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેના સૈન્ય પ્રમુખ સાથે અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક કરી. આ બેઠકના તરત બાદ ઇઝરાયલના લડાકુ વિમાને દક્ષિણી અને મધ્ય ગાઝાને નિશાન બનાવ્યા છે.

ઇઝરાયલની આર્મીએ કહ્યું કે તેના ફાઇટર પ્લેને ગાઝામાં સ્થાપિત આંતકી છાવણીઓ પર અટેક કરી તેને ધ્વસ્ત કરી છે. જોકે તેમને વધુ માહિતી આપી નથી. પરંતુ ત્યાંની મીડિયાએ કહ્યું કે સત્તારૂઢ હમાસ સમૂહના નૌ સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હાલ કોઈના માર્યા ગયાની ખબર નથી.