હાફિઝ સઈદ અને તેના પુત્રને ચૂંટણી જીતાડવા પ્રયાસ કરી રહ્યું છે ISI

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી ISI અને આતંકવાદી હાફિઝ સઈદનો સાથ એ કોઈ નવી વાત નથી. અને આ જ કારણોસર પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ સંસ્થા ISI હાફિઝ સઈદને પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવવા તમામ મદદ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ચૂંટણી પંચે હાફિઝના પક્ષ મિલ્લી મુસ્લિમ લીગની માન્યતાને ફગાવી દીધી છે. પરંતુ પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી ISI હાફિઝ સઈદ અને તેના પુત્ર તલ્હા સઈદને પાકિસ્તાન ચૂંટણી માટે આડકતરી રીતે સમર્થન આપી રહી છે. આ અંગેની સ્પષ્ટતા ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે. ભારતીય એજન્સીએ જણાવ્યા અનુસાર ISI પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકી સંગઠન અને હાફિઝ સઈદ સાથે બેઠક યોજીને ચૂંટણી દરમિયાન હાફીઝ સઈદ અને તેના પુત્રને મદદ કરવા જણાવી રહ્યું છે. બદલામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબમાં આતંક ફેલાવવા માટે ખાલિસ્તાની ત્રાસવાદીઓને મદદ કરશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.

આ પ્રથમ ઘટના છે જ્યારે આવા આતંકી ખાલિસ્તાની સંગઠનો ખુલ્લેઆમ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની મદદ કરી રહ્યાં છે. આ અંગેના વીડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે. જે મોટી ચિંતાનો વિષય છે. ખાલિસ્તાની સંગઠનો દ્વારા આ બધું ભારતના પંજાબ પ્રાંતમાં મોટી ઘટનાને અંજામ આપવાના ભાગરુપે કરવામાં આવી રહ્યું હોય તે પણ શક્ય છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.