ઇરાકી કોર્ટનો 10 મિનિટમાં ફેંસલોઃ આંતકીઓની પત્નીઓને ફાંસી

ઇરાકઃ  વિશ્વના દેશોમાં આતંકી પ્રવૃત્તિઓ કરનારાઓ પર કાર્યવાહીને લઇને કેવું સખત વલણ અપનાવાય છે તેનું ઇરાકી કોર્ટે કરેલી કાર્યવાહીમાં પ્રતિબિંબ પડી રહ્યું છે. આઈએસઆઈએસના ખાતમા બાદ હાલમાં ધરપકડ કરાયેલા આતંકીઓ અને તેના સપોર્ટરો પર કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમાં આતંકીઓની પત્નીઓ પર પણ કેસ પણ છે. જેમાં 10 મિનિટની કાર્યવાહીમાં 40 જેટલી આતંકીઓની પત્નીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તો કેટલીક મહિલાઓને ઉંમરકેદની સજા પણ ફટકારી છે.આઇએસ આતંકીઓને સાથ આપવાના આરોપમાં અંદાજે 1000 મહિલાઓ અને યુવતીઓ ઇરાકની જેલમાં બંધ છે, જેમાંથી 40ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સજા મેળવનાર મોટાભાગની મહિલાઓ વિધવા છે અને તેઓ પોતાના બાળકોનું ધ્યાન રાખનાર એકમાત્ર સભ્ય છે. ગાર્ડિયનના રીપોર્ટ પ્રમાણે જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે તે પોતાના બાળકો સાથે બગદાદ સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં હાજર હતી.

આતંકીઓની પત્નીઓએ કોર્ટમાં દલીલ કરી કે તેઓ નિર્દોષ પીડિત છે, જેઓને ગેરમાર્ગે દોરવામાં આવી, તો કેટલીક મહિલાઓએ જણાવ્યું કે અહીં આવ્યાં પહેલા તેઓને એ પણ નહોતી ખબર કે તેનો પતિ આતંકી છે. એક ફ્રેન્ચ મહિલા જેમિલા બુટોટોએ કોર્ટમાં કહ્યું કે લાંબા વેકેશન બાદ જ્યારે અમે તૂર્કી પહોંચ્યા તો જાણવા મળ્યું કે તેનો પતિ આતંકી છે. તેણીએ જણાવ્યું કે હું આરોપી નહીં, પીડિત છું. જ્યારે હું મારા પતિની કોઇ વાત ઠુકરાવતી તો તે મારી સાથે મારપીટ કરતો અને મને અને મારા બાળકોને ગુફામાં બંધ કરી દેતો હતો. બાળકોથી અલગ પડવાને કારણે રડતી મહિલાઓથી કોર્ટ પરિષદમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેમિલા એવી 1900 ફ્રેન્ચ નાગરિકો અને 40000 વિદેશીઓમાંથી એક છે, જે આઇએસમાં જોડાવા માટે સીરિયા અથવા ઇરાક આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇરાક અંદાજે 3 વર્ષ આઇએસના કબજામાં રહ્યું હતું અને આ દરમિયાન આતંકીઓએ સ્થાનિક લોકો પર ભારે અત્યાચાર ગુજાર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]