ચીનના OBORનો મુકાબલો કરવા 60 અબજ ડોલરના પ્રોજેક્ટને ટ્રમ્પની લીલી ઝંડી

વોશિંગ્ટન- ચીનના વન બેલ્ટ વન રોડ (OBOR) પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 60 અબજ ડોલરના પ્લાનને લીલી ઝંડી આપી દીધી છે.આ પ્લાન હેઠળ મંજૂર થયેલા ભંડોળમાંથી એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આર્થિસ સહાય પુરી પાડવામાં આવશે. આ પ્લાનના ભાગરુપે ધ યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ નામની એજન્સીની રચના કરવામાં આવશે.

ટ્રમ્પની આ જાહેરાતને તેમની નીતિઓ કરતા વિપરિત માનવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2015માં ચૂંટણી પ્રચાર દરમિયાન અન્ય દેશોને સહાયતા કરવાની અમેરિકાની નીતિની ટીકા કરી હતી. આ ઉપરાંત અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ તેમણે વિદેશી સહાયતામાં ત્રણ અબજ ડોલરનો કાપ મુકી દીધો હતો.

જોકે જે રીતે ચીન એશિયા અને આફ્રિકામાં પોતાનુ આર્થિક, રાજકીય અને ટેકનિકલ પ્રભુત્વ વધારી રહ્યું છે તેના કારણે અમેરિકાની મુશ્કેલી વધે તે સ્વાભાવિક છે. ચીનના વન બેલ્ડ વન રોડ (OBOR) પ્રોજેક્ટમાં 100થી વધારે દેશોને આવરી લઈને તેમને એક લાખ કરોડ ડોલરની સહાય કરવાનો ટાર્ગેટ છે. જેની સામે ચીનના પ્રોજેક્ટનો મુકાબલો કરવા અમેરિકાએ નવી જાહેરાત કરી છે.