ટ્રમ્પની ધમકી: જન્મજાત સિટીઝનશીપ કરીશું રદ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નીતિમાં વધુ એક ચોંકાવનારા નિર્ણયનો અમલ કરવાની જાહેરાત કરતા અમેરિકામાં રહેતા વિદેશીઓમાં નારાજગી ફેલાઈ છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના બંધારણ પ્રમાણે અહીં જન્મ લેતા બાળકોને આપોઆપ અમેરિકન નાગરિકત્વ મળે છે. પરંતુ હું ઈચ્છું છું કે, અમેરિકાના નાગરિક નહોય એવા તેમજ ગેરકાયદે વસતા માતાપિતાના બાળકોને આ અધિકાર ન મળે.રાજકીય નિષ્ણાંતોના મતે ટ્રમ્પ ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવીને તેના સમર્થકોમાં ઉત્સાહનો સંચાર કરવા પ્રયાસ કરી રહ્યાં છે. જે તેમને મિડ ટર્મ ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે. આ ઉપરાંત તેઓ અમેરિકન કોંગ્રેસ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે એવું સાબિત કરીને રિપબ્લિકનોનો પણ વિશ્વાસ જીતવા પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મધ્ય અમેરિકામાંથી અમેરિકા તરફ આવતા શરણાર્થીઓમાં વિવિધ લોકો હોઈ શકે છે. જે લોકોને શરણ જોઈતું હશે તેમના માટે અમે સરહદ નજીક ટેન્ટ સિટી બનાવીશું. જોકે, અમેરિકાના પ્રેસિડેન્ટ બંધારણમાં ફેરફાર કરીને વિદેશીઓના બાળકોના નાગરિકત્વનો હક છીનવી શકે છે કે નહીં એ વિશે હજુ મતમતાંતર છે.

આ મુદ્દો પણ અદાલતી લડાઈનું કારણ બની શકે છે. અમેરિકન બંધારણનો 14મો સુધારો અમેરિકામાં જન્મ લેતા વિદેશીઓના બાળકોને અમેરિકન નાગરિકત્વનો હક આપે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, હું એક્ઝિક્યુટિવ ઓર્ડર કરીને આ સુધારો કરીશ. વિશ્વમાં ફક્ત અમેરિકા જ એવો દેશ છે, જે આ રીતે અમેરિકન નાગરિકત્વ આપે છે. વ્હાઈટ હાઉસના એડવોકેટ્સ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા છે.

આ નિવેદનને અનેક નિષ્ણાંતો શંકાની નજરે જોઈ રહ્યા છે. જેમાંના મોટા ભાગનાનો અભિપ્રાય છે કે, અમેરિકન બંધારણ એકદમ સ્પષ્ટ છે. જો પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને તેમાં ફેરફાર કરવા ઈચ્છતા હોય તો તે ખૂબ જ ભયંકર બાબત છે.