રશિયા-ભારતની આ સમજૂતીથી અમેરિકાને પેટમાં દુખ્યું, ચેતવણી આપી

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે રશિયા પાસેથી મિસાઈલ રક્ષા પ્રણાલી એસ-400 ખરીદવાનો નિર્ણય અમેરિકા અને ભારત વચ્ચેના રક્ષા સંબંધો પર ગંભીર અસર પાડશે. આપને જણાવી દઈએ કે એસ-400 જમીન પરથી હવામાં માર કરવામાં સક્ષમ રશિયાની અત્યાધુનિક મિસાઈલ રક્ષા પ્રણાલી છે. ચીને રશિયાથી આ પ્રણાલીની ખરીદી માટે 2014માં સૌથી પહેલા સમજૂતી કરી હતી.

ભારત અને રશિયા વચ્ચે આ પ્રણાલીની ખરીદી માટે ગત વર્ષે ઓક્ટોબરમાં 5 અબજ ડોલરની સમજૂતી થઈ હતી. આ સમજૂતી વડાપ્રધાન મોદી અને રશિયાના વ્લાદિમીર પૂતિન વચ્ચે વ્યાપક ચર્ચા બાદ થઈ હતી. અમેરિકી વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના રોજ જણાવ્યું કે રશિયાથી એસ-400 રક્ષા પ્રણાલી ખરીદવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી સોદાનું પરિણામ અમેરિકી પ્રતિબંધોના રુપમાં સામે આવી શકે છે. અમેરિકી કોંગ્રેસે રશિયાથી હથિયારોની ખરીદીને રોકવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રૂ સૈંક્શન્સ એક્ટ બનાવ્યો હતો. આ કાયદા અનુસાર અમેરિકા પ્રતિબંધ લગાવી શકે છે.

તેમણે કહ્યું કે જો ભારત એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાના નિર્ણય પર આગળ વધે તો તેનાથી રક્ષા સંબંધો પર ગંભીર અસર પડશે. અધિકારીએ કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનનું સ્પષ્ટ માનવું છે કે રશિયાની ઉન્નત પ્રોદ્યોગિકી ખરીદવાથી રશિયાને ખોટો સંદેશ જશે.

ઉલ્લેખનીય છે કે રશિયા ભારતનું દાયકાઓથી મોટા શસ્ત્રો પૂરાં પાડનાર દેશ રહ્યો છે અને બંને દેશો વચ્ચે સારા સંબંધો પહેલેથી રહ્યાં છે ત્યારે જગત જમાદાર અમેરિકા પોતાના શસ્ત્રભંડારનું વેચાણ વધે તે માટે વગ કરી રહ્યું હોવાનો આ મુદ્દે સંશય છે.