ભારતે અબુધાબીમાં ખરીદ્યું ઓઈલ ફિલ્ડ, જાણો શું છે તેના ફાયદા

અબુધાબી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંયુક્ત આરબ અમિરાતના રાજકીય પ્રવાસ દરમિયાન કાચા તેલના ઉત્પાદનને લઈને સંયુક્ત આરબ અમિરાત સાથે મોટી ભાગીદારી કરી છે. ભારતીય તેલ કંપનીઓએ સંયુક્ત આરબ અમિરાતની તેલ કંપની એડનોક સાથે 60 કરોડ ડોલરમાં (આશરે 3855 કરોડ રુપિયા) આ ડીલ કરી છે.આ ભાગીદારીથી ભારતની વધી રહેલી ઉર્જા માગ સંતોષવામાં મદદ મળશે ઉપરાંત દેશમાં હાલમાં વધી રહેલાં ઈંધણના ભાવ પણ કાબૂમાં આવશે જેથી સામાન્ય જનતાને પણ લાભ થશે.

શું છે ભાગીદારી?

ભારત સરકાર સંચાલિત ONGCની સબ્સિડરી કંપની ONGC વિદેશ, IOC અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સહભાગી કંપની ભારત પેટ્રોરિસોર્સિઝ વચ્ચે ઉપરોક્ત ભારીદારી કરવામાં આવી છે. જે અંતર્ગત ભારતીય કંપનીઓએ 60 કરોડ ડોલરમાં (આશરે 3855 કરોડ રુપિયા) એડનોકના અબુધાબી સ્થિત ઓઈલ ફિલ્ડમાં 10 ટકા હિસ્સો ખરીદ કર્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતીય ઓઈલ કંપનીએ સંયુક્ત આરબ અમિરાતની ધરતી પર આટલી મોટી ડીલ કરી છે.

ભારતને શું ફાયદો થશે?

અબુધાબીની તેલ કંપની તેની સાથે ભાગીદારી કરનારી કંપનીઓને કાચું તેલ સપ્લાઈ કરે છે. આ તેલ તેમને પોતાના હિસ્સાના ટેક્સ અને રોયલ્ટી પેમેન્ટ્સના બદલામાં આપવામાં આવે છે. ઉપરોક્ત ડીલથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, ભારતની વધી રહેલી ઉર્જા માગને સંતોષવા આ ડીલ મદદગાર સાબિત થશે. તો બીજી તરફ એડનોક માટે આ ડીલ તેના સૌથી મોટા ગ્રાહક દેશ ભારતના માર્કેટમાં એન્ટ્રી માટે એક તક સમાન પુરવાર થશે.

નેશનલ એનર્જી પોલિસી ડોક્યૂમેન્ટ અંતર્ગત વર્ષ 2040 સુધીમાં ભારતની કુલ ઉર્જા આયાત 36-55 ટકા સુધી પહોંચી જશે. વર્ષ 2012માં તે ફક્ત 31 ટકા હતી. દેશમાં વધી રહેલી જનસંખ્યા અને વધી રહેલા શહેરીકરણને ઉર્જાની માગ વધવા માટે મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. આવા સમયમાં સંયુક્ત આરબ અમિરાત સાથેનો સહયોગ ભારત માટે ફાયદાકારક પુરવાર થશે.

દેશની સામાન્ય જનતાને પણ થશે ફાયદો

ગત કેટલાક દિવસોથી કાચા તેલની કીમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે ભારતમાં ઈંધણની કીમતો પણ વધી રહી છે. સંયુક્ત આરબ અમિરાત સાથેની ભાગીદારીથી ભારતીય કંપનીઓની ક્રૂડ ઓઈલની માગને પુરી કરવામાં આસાની થશે. આવનારા સમયમાં સંયુક્ત આરબ અમિરાત સાથેની આ ભાગીદીરી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કીમતોને કાબુ કરવામાં પણ મદદરુપ સાબિત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]