પાકિસ્તાને રવાના કર્યાં તો ભારતીય રાજદૂતે કરી દીધું આ અંતિમ કાર્ય

નવી દિલ્હી– જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરાયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના લઈને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયા પાકિસ્તાન છોડી જવા કહી દેવાયું હતું. બિસારિયા સોમવારે દિલ્હી પરત આવી ગયાં હતાં. પરંતુ સ્વદેશ પરત ફરતા પહેલા અજય બિસારિયાએ ફરી એક વખત પાકિસ્તાનને મહાત્મા ગાંધીની યાદ તાજી કરાવી છે. પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનરના રૂપમાં અજય બિસારિયાએ દૂતાવાસ પરિસરમાં 150 વૃક્ષોનું રોપણ કરીને હર્યાભર્યા પર્યાવરણનો સંદેશ આપ્યો.

મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારતની સાથે રાજનયિક સંબંધોમાં ઘટાડો લાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને ગત બુધવારે જ અજય બિસારિયાને ઈસ્લામાબાદ છોડવા કહ્યું હતું.  ઈસ્લામાબાદ છોડ્યા પહેલા અજય બિસારિયાએ ભારતીય દૂતાવાસ પરિસરમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસના સમગ્ર સ્ટાફે મળીને 150 વક્ષોનું રોપણ કર્યું. 150મું વૃક્ષ હાઈ કમિશ્નર અજય બિસારિયાએ રોપ્યું હતું. ધ્યાન રહે કે, ભારત આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જમ્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે. આ અવસરે ભારત ઉપરાંત વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં છે.

કાર્યક્રમ અંગે ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે, આ કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી.

સુત્રોનું કહેવું છે કે, અજય બિસારિયા રવિવારે દલ્હી પરત આવી ગયા છે. આ પહેલા પાકિસ્તાને એવી સ્પષ્ટતા કરી હતી કે, તે તેમના નવનિયુક્ત હાઈ કમિશ્નર મોઈલ ઉલ હક્કને નવી દિલ્હી નહીં મોકલે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશ્નર સોહેલ મહમૂદને વિદેશ સચિવ બનાવ્યાના ત્રણ મહિના બાદ હક્કની નિયૂક્તિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરાતા રઘવાયા બનેલા પાકિસ્તાને UN પાસે મધ્યસ્થતાની માગ કરી હતી તેમજ અન્ય દેશોને પણ પોતાના પક્ષમાં લેવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ UN સહિત તમામ દેશોએ તેને ભારતનો આંતરિક મામલો ગણાવીને મધ્યસ્થતાની ઓફર ઠુકરાવી હતી. આથી, પાકિસ્તાને ભારત સાથેના વેપારી સંબંધો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી સાથે જ ભારત સાથેના તમામ રાજનયિક સંબંધોને પણ પૂર્ણ કરવાની વાત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]