મૂડીરોકાણ માટે ભારત વિશ્વમાં સૌથી અનુકૂળ અર્થતંત્રઃ પીએમ મોદી (BRICS સંમેલનમાં)

બ્રાસિલિયા (બ્રાઝિલ) – અહીં BRICS સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલન દરમિયાન વ્યાપાર ક્ષેત્રના મહારથીઓને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશને વિશ્વમાં સૌથી મુક્ત અને મૂડીરોકાણ માટે સૌથી અનુકૂળ અર્થવ્યવસ્થા તરીકે ઓળખાવ્યો હતો. એમણે ઈન્વેસ્ટરોને ભારતમાં મૂડીરોકાણ કરવાની અને એની અમર્યાદિત સંભાવનાઓ અને અગણિત તકોનો લાભ ઉઠાવવાની વિનંતી કરી હતી.

BRICS બિઝનેસ ફોરમના સમાપન સમારંભમાં સંબોધન કરતી વખતે મોદીએ કહ્યું કે પાંચ દેશો (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના, સાઉથ આફ્રિકા)નું સમૂહ બનાવવાથી હાલ વિશ્વમાં આર્થિક મંદી ફરી વળી છે તે છતાં આ પાંચ દેશોમાં આર્થિક વિકાસ જળવાઈ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે રાજકીય સ્થિરતા, નીતિ અને વ્યાપાર સંબંધિત મૈત્રિપૂર્વકના સુધારાઓને કારણે ભારત વિશ્વમાં સૌથી મુક્ત અને ઈન્વેસ્ટમેન્ટ માટે અનુકૂળ દેશ છે. 2024ની સાલ સુધીમાં અમે ભારતને 5-ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માગીએ છીએ. એ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘડવા માટે જ દોઢ ટ્રિલિયન ડોલરનું મૂડીરોકાણ જોઈએ.

મોદીએ કહ્યું કે હું BRICS દેશોના ઉદ્યોગપતિઓને ભારતમાં એમનો વ્યાપાર શરૂ કરવા અને એમની હાજરી વધારવાનું આમંત્રણ આપું છું.

વિશ્વના કુલ આર્થિક વિકાસમાં 50 ટકા જેટલો હિસ્સો BRICS સમૂહના દેશો ધરાવે છે. દુનિયામાં આર્થિક મંદી ફરી વળી છે તે છતાં BRICS દેશોમાં આર્થિક વિકાસની ગતિ ઝડપી બની છે, લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકાયા છે, નવી ટેક્નોલોજીઓમાં સફળતા હાંસલ કરી શકાઈ છે. BRICS સમૂહની રચનાને 10 વર્ષ થયા છે અને આ સમૂહ ભવિષ્યમાં આપણા પ્રયાસોની દિશા વિશે વિચારવા માટે સારું મંચ બન્યું છે, એમ પણ પીએમ મોદીએ કહ્યું.

ઈન્ટ્રા-BRICS વ્યાપારને સરળ બનાવવાની જરૂર છે જેથી પરસ્પર વ્યાપાર અને મૂડીરોકાણનું પ્રમાણ વધશે, એવું સૂચન પણ વડા પ્રધાન મોદીએ કર્યું હતું.