CPEC મામલે સમાધાન લાવવા ભારત સાથે ચર્ચા કરવા ચીન તૈયાર

બિજીંગ- પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં ચીન દ્વારા નિર્માણાધિન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (CPEC) ભારત સતત વિરોધ કરતું રહ્યું છે. ભારતની નારાજગી બાદ હવે ચીને આ વિવાદને લઈને ભારત સાથે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે.આશરે 50 એબજ ડોલરના ખર્ચે ચીન CPECનું નિર્માણ કરી રહ્યું છે. ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવાલાએ સ્થાનિક સરકારી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, CPEC વિવાદને ભારત લાંબા સમયસુધી ટાળી શકે નહીં. હવે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આ અંગે જણાવ્યું કે, ચીન ભારત સાથે CPEC મુદ્દે સમાધાન લાવવા ચર્ચા કરવા તૈયાર છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મેં આ અંગેના રિપોર્ટ્સ જોયા છે અને CPECને લઈને ચીન સતત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે CPECને લઈને મતભેદ છે. કારણકે CPECનો પ્રોજેક્ટ PoKમાંથી પસાર થાય છે. પરંતુ આ મુદ્દે ચીન ભારત સાથે ચર્ચા કરવા તૈયાર છે. તીન તેના રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડ્યા વગર સમગ્ર પ્રકરણમાં સમાધાન ઈચ્છે છે. જે ભારત અને ચીન માટે સૌથી યોગ્ય વિકલ્પ છે’.

આપને જણાવી દઈએ કે, 50 અબજ ડોલરના ખર્ચે તૈયાર થનારા CPEC પ્રોજેક્ટનો ભારત સતત વિરોધ કરતું રહ્યું છે. કારણકે આ પ્રોજેક્ટ પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાંથી પસાર થાય છે. CPEC એક એવું નેટવર્ક છે જે સંપૂર્ણરીતે પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ચીનના ઝીનજિઆંગ પ્રાંતથી શરુ કરીને પાકિસ્તાનના બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટેને જોડશે. જો આ પ્રોજેક્ટ પુરો થશે તો PoK સુધી ચીન પહોંચી જશે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.