UNમાં ભારતે દોહરાવી આતંકવાદને જડથી નાબૂદ કરવાની માગ

જિનીવા- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં (UNHRC) ભારતે પાકિસ્તાન પર સમીક્ષા નિવેદન કરવા દરમિયાન આતંકવાદ અને આતંકીઓને સુરક્ષિત આશ્રય પુરો પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ ભારતે પાકિસ્તાન અધિકૃત કશ્મીરનો (PoK) મુદ્દો ઉઠાવ્યો હતો અને PoKના લોકોની આઝાદીની માગણી કરી હતી.

ભારતે જેનેવા સ્થિત UNHRCના મુખ્યાલયમાં જણાવ્યું કે, પાકિસ્તાને આતંકીઓ માટેના સુરક્ષિત ઠેકાણાઓ નષ્ટ કરવા જોઈએ. આ સિવાય ભારતે પાકિસ્તાનના બલૂચિસ્તાન, સિંધ અને ખૈબર પખ્તૂન પ્રાંતમાં કરવામાં આવતા કાર્યકર્તાઓ પરના હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેની નિંદા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત દરેક આંતરરાષ્ટ્રીય મંચ ઉપરથી પાકિસ્તાન દ્વારા આતંકીઓને આપવામાં આવતી મદદનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. અને વિશ્વ સમુદાય સમક્ષ પાકિસ્તાનની બેવડી નીતિને બેનકાબ કરતુ આવ્યું છે. આ પહેલા પણ જેનેવામાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલનમાં ભારતે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકીઓને આશ્રય અને આજીવિકા મળી રહી છે.

માર્ચ-2017માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો ઉપર ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અજીતકુમારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત વિરુદ્ધ આતંકી સમુહોને જન્મ આપ્યો છે. હવે આ આતંકરુપી રાક્ષસ તેના જન્મદાતાને જ ખાઈ રહ્યો છે.