એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકા મહત્વના ઘટક તરીકે જોઈએ: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ ‘હિન્દ-પ્રશાંત’ શબ્દનું સમર્થન કરતા અમેરિકાના ટોચના રણનીતિકારે જણાવ્યું કે, ભારતે અમેરિકાની એશિયા-પ્રશાંત ક્ષેત્રની રણનીતિના મહત્વના ઘટક તરીકે ભૂમિકા ભજવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે ભારત-અમેરિકાના સહયોગ પર અમેરિકા પહેલેથી જ તરફેણ કરતું રહ્યું છે. કારણ કે આ વિસ્તારમાં ચીન તેની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. અને એશિયામાં વધી રહેલું ચીનનું એકતરફી પ્રભુત્વ અમેરિકાને પણ ખૂંચી રહ્યું છે.

અમેરિકા-ચીનની આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગના ઉચ્ચાયુક્ત જોનાથન એન. સ્ટિવર્સે ચીનની OBOR નીતિ પર કાર્યવાહી દરમિયાન અમેરિકન કોંગ્રેસ કમિટીને જણાવ્યું કે, ભારતે એશિયા-પ્રશાંત રણનીતિના મુખ્ય ઘટક પક્ષ તરીકે કાર્ય કરવું જોઈએ.

સ્ટિવર્સે જણાવ્યું કે, ભારત-અમેરિકાના લોકતાંત્રિક મૂલ્યો ઘણાં સમાન કહી શકાય તેવા છે. અને વિશેષ કરીને એશિયામાં વધી રહેલા ચીનના પ્રભુત્વને લઈને પણ ભારત-અમેરિકાની નીતિઓ પરસ્પર સમાન છે. ગત સપ્તાહે અમેરિકાએ તેના લોકતાંત્રિક સહયોગી દેશ જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે ચતુષ્પક્ષીય ચર્ચાની શરુઆત કરી છે.

જોનાથન એન. સ્ટિવર્સે વધુમાં જણાવ્યું કે, અમેરિકાએ અશિયા-પ્રશાંત આર્થિક સહયોગ (એપેક) મંચ ઉપર સદસ્યતા મેળવવા ભારતના પીએમ નરેન્દ્ર મોદીની ‘એક્ટ ઈસ્ટ’ નીતિનું સમર્થન કરવું જોઈએ અને ભારતની મદદ કરવી જોઈએ. તેમ જ ભારતને તેના ઘરેલૂ આર્થિક વિકાસમાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા ભારતને સહયોગ કરવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]