મોદીના વિમાનને પાકિસ્તાની એરસ્પેસ પરથી પસાર થવા દેવા માટે કરી અપીલ

0
871

ઈસ્લામાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 જૂને શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ના શિખર સમ્મેલનમાં ભાગ લેવા કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જશે. કિર્ગીસ્તાન જવા માટે પીએમ મોદીના વિમાનને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા દેવા માટે ભારતે પાકિસ્તાનને અપીલ કરી છે. પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર પરથી કિર્ગીસ્તાન જવા માટે અંદાજે 4 કલાકનો સમય લાગે છે. જો પાકિસ્તાન આ અપીલ નહીં સ્વીકારે તો મોદીની આ મુસાફરી કરવા માટે 8 કલાકનો સમય લાગી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, અમે પાકિસ્તાનને વડાપ્રધાન મોદીના વિમાનને તેમના એરસ્પેસમાંથી પસાર કરવા માટે અપીલ કરી છે, જે હાલમાં બંધ છે.

પાકિસ્તાને 21મેના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની બિશ્કેક યાત્રા માટે તેમના એર સ્પેસના ઉપયોગની છૂટ આપી હતી. પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જેના બીજા દિવસે પાકિસ્તાનના લડાકૂ વિમાનોએ કશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ બંને દેશોએ એકબીજા માટે પોતાના એર સ્પેસ બંધ કરી દીધા હતાં.

પાકિસ્તાને 27 માર્ચે નવી દિલ્હી, બેંકોક અને કુઆલાલુમ્પુર સિવાય તમામ સ્થળો માટેના એરસ્પેસને ખોલ્યા હતાં. પરંતુ ભારત માટે 11માંથી ફક્ત બે માર્ગને જ ખોલાયાં હતાં. જેના કારણે ભારતીય વિમાનોને પાકિસ્તાનના ઉત્તરી ક્ષેત્રથી ઉડવું પડે છે, જેમાં ઘણો વધારે સમય લાગી જાય છે.