ભારત-પાક. વચ્ચે બનશે તીર્થ કોરિડોર! ભારતીય હાઈ કમિશનરે લીધી મુલાકાત

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારીયાએ સરહદી વિસ્તારમાં આવેલા શીખ તીર્થસ્થાનની મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવે છે કે, ભારતના ડેરા બાબા નાનકથી પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહેબ કરતારપુર સુધી એક કોરિડોર ખોલવા માટેના પ્રયાસના ભાગરુપે આ મુલાકાત લેવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ તેની પાકિસ્તાન યાત્રા દરમિયાન પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજેવા સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન કમર જાવેદ બાજવાએ તીર્થ કોરિડોર ખોલવાના સંકેત આપ્યા હતા તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પ્રકારના સમાચાર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું કે, ‘તેઓ ગુરુનાનક દેવની 550મી જન્મ જયંતિ ઉપર કરતારપુર સાહિબ સુધી કોરિડોર ખોલવા માટે તૈયાર છે. પંજાબની જનતા માટે આનાથી મોટી ખુશીની વાત બીજી શું હોઈ શકે?’

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારીયાએ ગત 29 ઓગસ્ટે અહીંની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને શીખોના પવિત્ર તીર્થસ્થળ કરતારપુર સાહિબ અંગે જાણકારી મેળવી હતી. જે પાકિસ્તાનના નારવાલ શહેરથી 13 કિલોમીટર અને લાહોરથી લગભગ 120 કિલોમીટર દુર આવેલું છે. આપને જણાવી દઈએ કે, ભારતીય સરહદથી આ સ્થળ ફક્ત પાંચ કિલોમીટર દુર છે.

જોકે આ પ્રકારના તીર્થ કોરિડોર અંગે પાકિસ્તાન સરકાર અથવા પાકિસ્તાન સેના દ્વારા હજી સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કે કરતારપુર સાહિબ તીર્થ કોરિડોર માટે સરહદ ખોલવામાં આવશે અથવા નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]