પાકિસ્તાનસ્થિત ભારતીય રાજદૂત કુલભૂષણ જાધવને મળ્યા

ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાં મોતની સજાની સુનાવણી પામેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને અત્રેના ભારતીય ડેપ્યૂટી હાઈ કમિશનર ગૌરવ અહલુવાલિયા આજે મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશને પગલે પાકિસ્તાન સરકારે આપેલા કોન્સ્યૂલર એક્સેસ અંતર્ગત ભારતીય રાજદૂત આજે બપોરે જાધવને મળ્યા હતા.

ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી જાધવ હાલ પાકિસ્તાનની એક જેલમાં છે. પાકિસ્તાને એમને માટે આજે ભારતને કોન્સ્યૂલર એક્સેસની સુવિધા પૂરી પાડી હતી, એવો ‘ડોન ન્યૂઝ’નો અહેવાલ છે.

જાધવને મળવા જતા પહેલાં અહલુવાલિયા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલને મળ્યા હતા.

49 વર્ષના જાધવને પાકિસ્તાનની મિલિટરી અદાલતે મોતની સજા ફરમાવી છે. એમની પર આરોપ છે કે એ પાકિસ્તાનમાં જાસૂસી કરતા હતા અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરતા હતા. પાકિસ્તાની અદાલતે એમને આ સજા 2017માં ફટકારી હતી, પરંતુ ભારતે એની સામે વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને તેની પર ધ્યાન ન આપતાં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ)માં ધા નાખી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે ગયા વર્ષે ચુકાદો આપીને પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે પોતે આ કેસમાં આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી એણે જાધવની સજાનો અમલ કરવો નહીં. તે ઉપરાંત જાધવ પર મૂકાયેલા અપરાધ અને સજા વિશે ફેરવિચારણા કરવી અને જાધવને મળવા માટે ભારતને કોન્સ્યૂલર એક્સેસ આપવો.