હિંદ મહાસાગરમાં તાકાત વધારતાં ‘ડ્રેગન’ને રોકશે ભારત-ફ્રાંસનો સહયોગ

0
1028

નવી દિલ્હી- હિંદ મહાસાગરમાં પોતાની તાકાત વધારી ભારતને ઘેરવા પ્રયાસ કરી રહેલા ચીનને ધ્યાનમાં રાખીને ભારત અને ફ્રાંસ વચ્ચે મહત્વનો સુરક્ષા કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમેન્યુલ મેક્રોન અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે સૈન્ય સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરાર અંતર્ગત ભારત અને ફ્રાંસ બન્ને દેશ પોતાના નેવી બેઝને એક-બીજાના યુદ્ધજહાજ માટે ખુલ્લા મુકશે. મહત્વનું છે કે, ચીન અનેક નાના દેશોને સાથે રાખીને દક્ષિણ ચીન વિસ્તાર અને હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ચીનની આ હરકતોને જોતાં ભારત અને ફ્રાંસ વચ્ચેનો સુરક્ષા સહયોગ મહત્વનો માનવામાં આવે છે.

શું છે ચિંતાનું કારણ?

ઉલ્લેખનીય છે કે, ચીન દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશો પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યાં છે. સુરક્ષા નિષ્ણાંતોનું માનીએ તો, ભારત અને ફ્રાંસ પણ આ ચિંતાને સમજે છે, અને એટલે જ સૈન્ય સુરક્ષાને લઈને બન્ને દેશો વચ્ચે સહયોગ કરવામાં આવ્યો છે.

ફ્રાંસ કેવી રીતે કરશે ભારતની મદદ?

હિંદ મહાસાગરમાં રિયૂનિયન નામનો એક ટાપુ છે, જે ફ્રાંસના કબજામાં આવે છે. આ ટાપુ ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતના કામ આવી શકે છે. ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમેન્યુલ મેક્રોને પહેલા જ જણાવ્યું છે કે, તેમની પાસે મોટી સમુદ્રી તાકાત છે અને ભારતને ફ્રાંસ તેનું મજબૂત સહયોગી માને છે. પ્રશાંત મહાસાગર સાથે જોડાયેલા ભારતીય હિતોની સુરક્ષા માટે પણ આ ટાપુ મહત્વનો પુરવાર થઈ શકે છે.