વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગઃ ભારતને મળ્યું આ સ્થાન, 5મે વર્ષે ટોચ પર…

નવી દિલ્હી- વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2018માં આ વખતે ભારતના ક્રમમાં ઘટાડો જોવા મળ્યો છે. બિઝનેસ સ્કૂલ ઓફ સ્વિટ્ઝરલેન્ડની વાર્ષિક વૈશ્વિક પ્રતિભા રેન્કિંગમાં ભારત બે ક્રમ નીચે જઈને 53માં સ્થાન પર પહોંચી ગયું છે. જો કે, આ યાદીમાં સ્વિટ્ઝરલેન્ડે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની ફ્લેગશિપ બિઝનેસ સ્કૂલ, આઇએમડીએ

આ યાદી જાહેર કરી છે. આ યાદીમાં જો એશિયાની વાત કરવામાં આવે તો સિંગાપુર ટોચના સ્થાન પર છે, અને વૈશ્વિક યાદીમાં 13મું સ્થાન મેળવ્યું છે. આ સૂચિમાં પ્રતિભાઓના વિકાસ, તેમને આકર્ષિત કરવા અને સાથે જોડી રાખવાના આધારે  63 દેશોને રેન્કિંગ આપવામાં આવ્યું છે.

આ યાદીમાં ચીન 39માં સ્થાન પર છે. કુશળ વિદેશી કામદારોને આકર્ષિત કરવામાં પડતી મુશ્કેલીઓ અને શિક્ષણમાં જાહેર ખર્ચ અન્ય વિકસીત અર્થતંત્રોના સરેરાશ કરતા ઓછો રહેવાના કારણે ચીન આ યાદીમાં નીચલા ક્રમ પર છે. જ્યાં સુધી ભારતની વાત છે તો, તે 2017ની યાદીમાં 51માં સ્થાન પરથી આ વર્ષે 53માં સ્થાન પર ધકેલાઈ ગયું છે. ભારતનું પ્રદર્શન ટેલેન્ટ પૂલ ગુણવત્તાના સંદર્ભમાં સરેરાશ કરતાં સારું છે. તેમાં ભારત 30માં સ્થાને છે. બીજી બાજુ, શિક્ષણ પ્રણાલીની ગુણવત્તા અને જાહેર શિક્ષણના ક્ષેત્રમાં રોકાણની અછતના કારણે રોકાણ અને વિકાસના મામલે ભારત 63માં ક્રમ પર છે.

આ યાદી ત્રણ પરિબળો પર આધારિત છે: રોકાણ અને વિકાસ, અપીલ અને તૈયારી. સતત પાંચમાં વર્ષની યાદીમાં સ્વિટ્ઝરલેન્ડ ટોચ પર છે. ડેનમાર્ક બીજા, નોર્વે ત્રીજા, ઑસ્ટ્રિયા ચોથા અને નેધરલેન્ડ પાંચમાં ક્રમે છે. ત્યારબાદ કેનેડા છઠ્ઠા સ્થાન પર છે.

ટોપ ટેનમાં કેનેડા એકમાત્ર નોન-યુરોપિયન દેશ છે. જ્યારે ફિનલેન્ડ સાતમાં, સ્વીડન આઠમાં, લક્ઝમબર્ગ નવમાં અને જર્મની દસમાં સ્થાને છે. નીચેના ક્રમેથી સ્લોવાક રીપબ્લિક 59, કોલંબિયા 60માં ક્રમ પર છે, જ્યારે મેક્સિકો 61, મંગોલિયા 62 અને વેનેઝુએલા 63માં સ્થાને છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝીલ 58માં, દક્ષિણ આફ્રિકા 50 અને રશિયા 46માં સ્થાન પર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]