ભારત, બ્રિટન ત્રાસવાદ-વિરોધી સંબંધોને વધારે મજબૂત બનાવશે

લંડન – ભારત અને બ્રિટને તમામ પ્રકારના ત્રાસવાદને આજે વખોડી કાઢ્યો છે અને જાગતિક સ્તરે ઘોષિત થયેલા ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનો સામે નિર્ણાયક તથા સંગઠિત પગલાં લેવા માટે પરસ્પર સહકારને વધારે મજબૂત કરવા સહમત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે વચ્ચે આજે અહીં થયેલી મંત્રણાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યા છે. બંને નેતા વચ્ચેની બેઠકમાં પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદી સંગઠનોના નામ પણ ઉચ્ચારવામાં આવ્યા હતા.

બંને દેશ ભારત-પેસિફિક વિસ્તારને વધારે સમૃદ્ધ બનાવવા માટે સાથે મળીને કામ કરવા પણ તૈયાર થયા છે.

બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મેનાં અત્રે સત્તાવાર નિવાસસ્થાન, 10, ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસસ્થાને મોદી અને મેએ બ્રેકફાસ્ટ મીટિંગ કરી હતી. ત્રાસવાદ, ઉદ્દામવાદ અને ઓનલાઈન ત્રાસવાદના દૂષણોનો સામનો કરવા માટે ગાઢ રીતે સાથે મળીને કામગીરી ચાલુ રાખવા બંને દેશ સહમત થયા છે.

એ મીટિંગ બાદ જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં મે અને મોદીએ ભારત અને બ્રિટન, બંને દેશમાં ત્રાસવાદ અને ત્રાસવાદ સંબંધિત બનાવો સહિત ત્રાસવાદના કોઈ પણ પ્રકારના ત્રાસવાદને સખત શબ્દોમાં વખોડી કાઢવાનો પુનરોચ્ચાર કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]