અમેરિકા: કોલોરાડોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 2ના મોત, 1 ઘાયલ

વોશિંગ્ટન- અમેરિકાના કોલોરાડોમાં થયેલા ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘટના બાદ પોલીસે સ્ટોર ખાલી કરાવ્યો હતો. આ ઘટના થોર્નટન સ્થિત વોલમાર્ટ સ્ટોર નજીક બની હતી. આ સમયે ત્યાં ઘણી ભીડ હતી. ઘટના બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ એલર્ટના એક કલાબ બાદ થોર્નટન પોલીસ ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી કે, સ્ટોરની નજીક ફાયરિંગ બંધ થઈ ગયું છે. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર કોઈ પ્રોફોશનલ શૂટર નહોતો. તેમ છતાં લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઘટના બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

હુમલો કરનાર પકડાયો છે કે નહીં તે અંગે પોલીસે કોઈ જાણકારી આપી નથી. ફાયરિંગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ પહેલા પણ અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં એક ડ્રાઈવરે ફૂટપાથ અને સાઈકલ લેન પર ટ્રક ચડાવી દીધી છે. આ ઘટનામાં 8 લોકોનાં મોત અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી.