UAEની બેનામી સંપત્તિ યાદીમાં પીએમનાં બહેનનું નામ ચમક્યું…

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની નવી સરકારે સત્તા સંભાળતાની સાથે જ ખર્ચાઓ પર કાપ મૂકવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ સરકારી નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના પ્રવાસ ખર્ચ તેમજ સરકારી સુવિધાઓ ઉપર પણ અંકુશ લગાવ્યો હતો.પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિદેશોમાં બેનામી સંપત્તિ ધરાવતા પાકિસ્તાનીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ રિપોર્ટમાં જે પાકિસ્તાનીઓ સામે તપાસ કરવામાં આવી છે તેમાં એક નામ પીએમ ઇમરાન ખાનના બહેનનું છે. જે પાકિસ્તાનના 44 જેટલા રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે UAEમાં બેનામી સંપત્તિઓ ધરાવે છે.

ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ રિપોર્ટ પાકિસ્તાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસ મિયાં સાકિબ નિસારના નેતૃત્વમાં આ મામલે સુનાવણી કરી રહેલી ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં 44 વ્યક્તિઓની યાદી રજૂ કરવામાં આવી છે. જેમની વિદેશમાં સંપત્તિઓ બીજાના નામ પર છે.

હાલમાં જ ચૂંટાયેલા વડાપ્રધાન ઇમરાન ખાનના બહેન અલીમા ખાન પણ આ યાદીમાં સામેલ છે. મળતી માહિતી મુજબ એજન્સીએ અલીમા ખાનના નામ પર નોટિસ મોકલી હતી પરંતુ તેઓ હાલ વિદેશમાં છે. વિદેશોમાં બેનામી સંપત્તિ ધરાવતા લોકોમાં પાકિસ્તાનના આર્થિક અને ઉર્જા મામલાઓના સરકારી પ્રવક્તા ફારૂખ સલીમની માતાનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય સત્તામાં આવેલી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા મુમતાઝ અહમદ મુસ્લિમ 16 બેનામી સંપત્તિઓના માલિક જાહેર કરાયા છે. પૂર્વ સેનેટર અનવર બેગની પત્ની આયેશા બેગ અને રાજકીય નેતા ફરહાનુલ્લાહ ખાન મારવાત પણ આ યાદીમાં સામેલ છે.

પીપીપીના રાજનેતા મખદૂમ અમીન ફહીમ ચાર સંપત્તિઓ સાથે અને પૂર્વ સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફના વ્યકિતગત સચિવ તારિક અઝીઝની પુત્રી તાહિરા મંજૂર છ બેનામી સંપત્તિઓ સાથે આ યાદીમાં સામેલ છે.