આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસઃ શું છે એનું મહત્વ?

નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ છે. દુનિયાભરમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે “સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઈટ્સ”. સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બર 1948 ના રોજ આ દિવસને અપનાવવાની જાહેરાત કરી. જો કે અધિકારીક રીતે આ દિવસની જાહેરાત 1950 માં થઈ હતી. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ મનાવવા માટે એસેમ્બલીએ પણ તમામ દેશોને 1950 માં આમંત્રિત કર્યા. ત્યારબાદ એસેમ્બલીએ ઠરાવ પાસ કરીને તમામ દેશો અને સંબંધિત સંગઠનોને આ દિવસ મનાવવાની સૂચના જાહેર કરી હતી.

માનવાધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. માનવાધિકારમાં સ્વાસ્થ્ય, આર્થિક, સામાજિક, અને શિક્ષણના અધિકારનો સમાવેશ થાય છે. માનવાધિકાર એ મૂળભૂત નૈસર્ગિક અધિકાર છે જેનાથી મનુષ્યને લિંગ, જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ સહિતના આધાર પર વંચિત અથવા પ્રતાડિત નથી કરી શકાતા.

ભારતમાં માનવાધિકાર કાયદો 28 સપ્ટેમ્બર 1993 માં અમલમાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે 12 ઓક્ટોબર 1993 ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું ગઠન કર્યું હતું. માનવાધિકાર આયોગ રાજનૈતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે મજૂરી, HIV એઈડ્સ, હેલ્થ, બાળ લગ્ન, મહિલા અધિકાર, માનવાધિકાર આયોગનું કામ વધારેમાં વધારે લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનું છે.